હળવદ નજીક ટ્રકની અડફેટે બાઈક: પિતા-પુત્ર ઈજાગ્રસ્ત, 8 વર્ષના માસૂમનું સારવાર દરમિયાન મોત

સરા ચોકડી પાસે સર્જાયો કરુણ અકસ્માત; ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી

હળવદ: હળવદ તાલુકાના સરા ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 8 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ, મૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને હાલ રાણેકપર ગામે મજૂરી કામ કરતા સંજયભાઈ ચંદુભાઈ ભીલ (ઉ.વ. 38) પોતાના પુત્ર કલ્પેશ સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે સરા ચોકડી નજીક આવેલી ક્રોસ રોડ હોટલ પાસે GJ-12-BZ-9082 નંબરના ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે પિતા-પુત્ર બંને રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં સંજયભાઈને ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમના પુત્ર કલ્પેશને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન બાળકને બચાવી શકાયું નહોતું.

મૃતક બાળકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અકસ્માતના સંજોગો અને જવાબદારી અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail