ગ્રીનલેન્ડ ચોકડી નજીક દરોડો; ₹3.33 લાખનો માદક પદાર્થ જપ્ત, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
રાજકોટ: ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે રાજકોટ એસ.ઓ.જી.એ વધુ એક મોટી સફળતા મેળવી છે. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક દરોડો પાડી 19.300 કિલોગ્રામ પોસડોડા ડ્રગ્સ સાથે રાજસ્થાનના એક સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ સહિત કુલ ₹3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈને રાજકોટમાં સપ્લાય કરવા આવ્યો હતો. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપી સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસ હવે આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ કાર્યરત સમગ્ર સપ્લાય ચેઇન તથા અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે. રાજકોટ પોલીસનું ડ્રગ્સ વિરોધી અભિયાન વધુ તેજ બન્યું હોવાનું આ કાર્યવાહીથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે.









