રાજકોટ: શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોના મોટા રેકેટનો પર્દાફાશ કરતાં પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 દેશી બનાવટના હથિયારો અને 30 જીવતા કાર્ટિજ કબજે કર્યા છે. સમગ્ર ઓપરેશન બાદ હથિયાર સપ્લાય નેટવર્ક અંગે અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી શકીલ સાદિક મન્સૂરીને રાજકોટ નજીક વાંકાનેર ચોકડી વિસ્તારમાં ગેરકાયદે હથિયારોની ડિલિવરી આપવા આવતાં ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછના આધારે પોલીસે અન્ય ચાર આરોપીઓ જયસુખ ઉર્ફે જસો વાઘેલા, ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા, અનિલ વીરા ખેતરીયા અને પ્રદીપ કનક કરપડાની પણ ધરપકડ કરી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ છેલ્લા એક મહિનામાં 16 હથિયારોની સપ્લાય કરી હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે એક હથિયાર રૂ. 10 હજારથી 15 હજારની કિંમતમાં વેચવામાં આવતું હતું.
હાલ પોલીસે હથિયારો કોને અને કયા હેતુસર પહોંચાડવામાં આવતા હતા તે સહિત સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે. આ કેસમાં વધુ આરોપીઓ અને અન્ય ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હથિયાર રેકેટની તમામ કડીઓ સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ બનાવી છે.









