રથયાત્રા પૂર્વે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શ્રી જગન્નાથ મંદિરે ધ્વજ વિધિમાં ભાગ લીધો, રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું

અમદાવાદ: અમદાવાદમાં યોજાનારી 149મી શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જામાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પહોંચી પરંપરાગત ધ્વજ વિધિમાં ભાગ લીધો હતો. તેમણે મહાઆરતી અને પૂજન-અર્ચન કરીને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા હતા.

રથયાત્રા પૂર્વે યોજાતી આ ધાર્મિક વિધિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ધ્વજ વિધિ પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર માર્ગનું પગપાળા નિરીક્ષણ કરી સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ દરમિયાન તેમણે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ, ઇમરજન્સી રિસ્પોન્સ તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણ મળી રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Traffic Tail