સુરત: SBI બેન્ક લૂંટકાંડની તપાસમાં ઝોન-1 SIT ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે. કેસમાં લૂંટનું આયોજન કરનાર માસ્ટરમાઈન્ડ સહિત વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને તમિલનાડુમાંથી ઝડપી લેવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી કુંદન ભગતના કહેવાથી વિકાસ ઉર્ફે ચંદને સમગ્ર લૂંટનું પ્લાનિંગ તૈયાર કર્યું હતું. વિકાસ છેલ્લા લગભગ છ મહિનાથી સુરતમાં રહેતો હતો અને તેણે જ લૂંટને અંજામ આપવા માટે અન્ય આરોપીઓ સાથે સંપર્ક સાધ્યો હતો.
પોલીસ તપાસ મુજબ, વિકાસ ઉર્ફે ચંદને લૂંટમાં સામેલ આરોપીઓને વારાફરતી સુરત બોલાવ્યા હતા અને સમગ્ર ઘટનાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તમામ આરોપીઓએ મળીને બેન્ક લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
લૂંટ બાદ વિકાસ ઉર્ફે ચંદન કર્ણાટક-તમિલનાડુ બોર્ડર વિસ્તારમાં જઈને છુપાઈ ગયો હતો. SIT ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને વિકાસ ઉર્ફે ચંદન અને સંજીત ઉર્ફે સચિતને તમિલનાડુમાંથી ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન લૂંટકાંડ અંગે વધુ મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે. કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
SIT દ્વારા અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર કાવતરાની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદાના કટઘરામાં લાવવામાં આવશે.









