અમરેલી: સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામના ખેડૂત હિંમત સુહાગીયાની આત્મહત્યાના મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખેડૂત હનીટ્રેપનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, 23 મેના રોજ હિંમત સુહાગીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતા, જેના આધારે આત્મહત્યાની પાછળ હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગનો એંગલ સામે આવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ખેડૂતની હિના નામની મહિલા સાથે મોબાઈલ ફોન પર વાતચીત થતી હતી. ત્યારબાદ ખેડૂતને ફસાવીને નાણાંની માંગણી કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીઓએ ખેડૂત પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી ખેડૂતે આશરે 80 હજાર રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે.
આર્થિક અને માનસિક દબાણના કારણે ખેડૂતે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે સાવરકુંડલા પોલીસે રોહિત વેકરીયા નામના એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું છે કે હિના નામની મહિલા સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે. સમગ્ર કાવતરામાં અન્ય કેટલા લોકો સંકળાયેલા હતા અને ખેડૂત પર કેવી રીતે દબાણ કરવામાં આવ્યું હતું તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કેસમાં તમામ પાસાઓની તપાસ કરીને સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.









