વડોદરા: શહેરના અકોટા વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપાર સામે કાર્યવાહી કરતા શહેર SOGએ એક રહેણાંક મકાન પર દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે ₹80 હજારનો માલસામાન કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, અકોટા બ્રિજ નીચે આવેલા નવાવાસ વિસ્તારમાં રહેતા ઝુબેર પટેલ પોતાના રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી SOGને મળી હતી. બાતમીના આધારે પોલીસે મકાન પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને 501 ગ્રામ વનસ્પતિ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો તેમજ અન્ય સામગ્રી મળી કુલ આશરે ₹80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કારરવાઈ દરમિયાન પોલીસે ઝુબેર પટેલની ધરપકડ કરી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવામાં આવતો હતો તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ તપાસમાં ઝુબેર પટેલના સાગરીત તરીકે ગની શેખનું નામ પણ સામે આવ્યું છે. હાલ ગની શેખ ફરાર હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે.
શહેર SOGના અધિકારીઓએ જણાવ્યું છે કે નશીલા પદાર્થોના વેપાર સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.









