ઓગસ્ટ મહિનામાં ભારતમાં સોનાની આયાતમાં 57.7 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં 5.4 અબજ ડોલરની સોનાની આયાત સામે આ વર્ષે માત્ર 2.3 અબજ ડોલરની આયાત થઈ હતી. સોનાની આયાત ઘટતા દેશની વેપાર ખાધ પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી છે.
બીજી તરફ ઓગસ્ટમાં ભારતની નિકાસ 26.12 ટકા વધીને 43.81 અબજ ડોલર થઈ છે. જૂન 2022 બાદની આ સૌથી મોટી માસિક નિકાસ વૃદ્ધિ હોવાનું જણાવાયું છે. નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.
એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ભારતની કુલ નિકાસ 17.85 ટકા વધીને 215.19 અબજ ડોલર થઈ છે. જોકે આ સમયગાળામાં આયાત પણ 18.21 ટકા વધીને 363 અબજ ડોલર થઈ છે. ઓગસ્ટમાં કુલ આયાત 14.1 ટકા વધીને 70.76 અબજ ડોલર રહી હતી.
કેન્દ્રીય વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિક્સ અને અન્ય વિકાસશીલ દેશોમાંથી ભારતીય ઉત્પાદનોની માંગમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે દેશની નિકાસને વેગ મળ્યો છે.









