ગ્લોબલ વોર્મિંગની 1.5°Cની લક્ષ્મણરેખા તૂટશે: માનવજાત સામે વધુ મોટો ખતરો

UNEPનો ગંભીર અહેવાલ: પૃથ્વીનું તાપમાન 1.4°C વધી ચૂક્યું, હવે 2°Cની મર્યાદા રોકવી સૌથી મોટો પડકાર

નવી દિલ્હીઃ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં દુનિયા માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)ના ‘લિમિટિંગ ઓવરશૂટ’ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે પૃથ્વીના તાપમાનમાં વધારો આગામી કેટલાક વર્ષોમાં પેરિસ કરારની 1.5°Cની મર્યાદાને પાર કરી શકે છે. આ મર્યાદા પાર થયા બાદ પણ તાપમાન દાયકાઓ સુધી ઊંચા સ્તરે રહેવાની આશંકા છે.

રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની સરખામણીએ વૈશ્વિક તાપમાનમાં આશરે 1.4°Cનો વધારો થઈ ચૂક્યો છે. 1.5°Cની મર્યાદા સુધી પહોંચતા રોકવું હવે મુશ્કેલ બની ગયું છે. તેથી હવે વૈશ્વિક સ્તરે તાપમાનને 2°Cથી નીચે રાખવા તેમજ વધેલું તાપમાન ભવિષ્યમાં ફરી ઘટાડવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ગરમી વધશે તો કુદરતી આફતોનું જોખમ પણ વધશે

વૈશ્વિક તાપમાનમાં વધારા સાથે ચરમ હવામાનની ઘટનાઓ વધુ ગંભીર બનવાની શક્યતા છે. હીટવેવ, પૂર અને ચક્રવાત જેવી આફતોને કારણે મૃત્યુ તથા બીમારીઓનું પ્રમાણ વધી શકે છે. ખેતી અને ખાદ્ય ઉત્પાદન પર અસર થવાથી ખાદ્ય સુરક્ષા સામે પણ પડકાર ઊભો થઈ શકે છે.

પાણીની અછત વધુ ગંભીર બનવાની સાથે પશ્ચિમ એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડના બરફના સ્તરો, એમેઝોનનું વર્ષાવન તથા એટલાન્ટિક મહાસાગરની મહત્વપૂર્ણ સમુદ્રી ધારાઓ જેવા ‘ટિપિંગ પોઈન્ટ્સ’ પર પણ ગંભીર અસર થવાની ચેતવણી આપવામાં આવી છે.

સ્ટેનફોર્ડના વૈજ્ઞાનિક રોબ જેક્સનના જણાવ્યા મુજબ વધેલું તાપમાન ફરી ઘટાડવું વિશ્વ માટે સૌથી મોટી આશા છે, પરંતુ તેની શક્યતા અત્યંત ઓછી છે.

ભારત પર પણ ગંભીર અસર

1. 10 સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ભારત: ક્લાયમેટ રિસ્ક ઇન્ડેક્સ 2026 મુજબ ભારત વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશોમાં સામેલ છે. દેશમાં છેલ્લા એક દાયકામાં તાપમાનમાં આશરે 0.9°Cનો વધારો થયો છે. હીટવેવ અને ચક્રવાત જેવી ચરમ હવામાનની ઘટનાઓ વધુ તીવ્ર બની રહી છે.

2. ગ્રીનહાઉસ ગેસનું મોટું ઉત્સર્જન: UNEPના 2025ના રિપોર્ટ મુજબ કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની દૃષ્ટિએ ભારત વિશ્વના મોટા ઉત્સર્જક દેશોમાં સામેલ છે. જોકે, પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન વિકસિત દેશોની સરખામણીએ ઓછું છે.

3. હિમાલયના ગ્લેશિયર્સ જોખમમાં: હિંદુકુશ-હિમાલય વિસ્તારમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ગ્લેશિયર્સ પીગળવાની ઝડપ પણ વધી છે. બીજી તરફ મેદાની વિસ્તારોમાં હીટ સ્ટ્રેસ વધવાની સાથે ચોમાસાની વરસાદી પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

4. 51°Cનો રેકોર્ડ: 19 મે 2016ના રોજ રાજસ્થાનના ફલોદીમાં 51°C તાપમાન નોંધાયું હતું, જે દેશમાં નોંધાયેલા અત્યંત ઊંચા તાપમાનના રેકોર્ડમાં સામેલ છે.

5. ગુજરાત સહિતના વિસ્તારોમાં હીટવેવનો ખતરો: હવામાન વિભાગની આગાહી મુજબ હિમાલયની તળેટી, પૂર્વ કિનારો, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી હીટવેવ રહેવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail