348 ચોરાયેલા મોબાઈલ સહિત 8.37 લાખનો મુદ્દામાલ જપ્ત; એક આરોપી ઝડપાયો, અનેક કડીઓની તપાસ શરૂ
સુરત: સુરત શહેરમાં મોબાઈલ ચોરી બાદ તેના રિસાયકલિંગનું કામ કરતા મોટા નેટવર્કનો લિંબાયત પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી રૂ. 8.37 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન 348 મોબાઈલ ફોન, 350 મધરબોર્ડ, 2,304 સિમકાર્ડ, 327 મેમરી કાર્ડ અને 88 બેટરી સહિતનો જથ્થો મળી આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં મોબાઈલના પાર્ટ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ચોરીના મોબાઈલને અલગ કરી તેના વિવિધ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસ હવે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય શખ્સો, ચોરીના મોબાઈલ ક્યાંથી આવતા હતા અને કોને સપ્લાય કરવામાં આવતા હતા તે દિશામાં તપાસ કરી રહી છે.
લિંબાયત પોલીસે સમગ્ર નેટવર્કની સપ્લાય ચેઇન શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આગામી સમયમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.









