રાજકોટ: શાપર પોલીસે મોબાઈલ ટાવર પરથી કિંમતી AZNA રિમોટ રેડિયો યુનિટની ચોરી કરી દિલ્હી મારફતે વિદેશમાં વેચી નાખતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજકોટ, ચોટીલા અને જસદણના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી નૉકિયા કંપનીના AZNA રિમોટ રેડિયો યુનિટ, કાર, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછમાં આરોપીઓએ રાજકોટ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં અનેક મોબાઈલ ટાવરને નિશાન બનાવ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ચાલુ વીજપ્રવાહ વચ્ચે ટાવર પર ચડીને ઇલેક્ટ્રિક વાયર કાપી રેડિયો યુનિટ ચોરી કરતા હતા. ત્યારબાદ ચોરાયેલા યુનિટને કુરિયર મારફતે દિલ્હી મોકલવામાં આવતા અને ત્યાંથી વિદેશમાં વેચવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે.
છેલ્લા કેટલાક સમય દરમિયાન આરોપીઓએ રાજકોટ, અમદાવાદ, મોરબી રોડ, આજીડેમ, કોઠારિયા, ભાવનગર રોડ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા મોબાઈલ ટાવરોને નિશાન બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
શાપર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે હવે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સો તેમજ દિલ્હી અને વિદેશ સુધીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.









