રાજકોટ કોર્પોરેશનમાં નવા ભળેલા માધાપર વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગના કોમન પ્લોટમાં જ ઓફિસનું બાંધકામ ઉભું કરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો છે. બિલ્ડિંગના મંજૂર પ્લાન અને નિયમો મુજબ જરૂરી માર્જિનનો પણ સરાજાહેર ભંગ થયો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠ્યા છે.
ખાસ કરીને કોમન પ્લોટમાં આ પ્રકારનું બાંધકામ કરવાની મંજૂરી કોણે આપી? શું ટીપી બ્રાન્ચના અધિકારીઓની નજર સામે આ બાંધકામ થયું કે પછી કોઈની મીઠી નજર હેઠળ નિયમોને નેવે મૂકવામાં આવ્યા? તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.
માધાપર વિસ્તારમાં બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં જો નિયમભંગ અંગે કાર્યવાહી ન થાય તો ટીપી બ્રાન્ચની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે. બીજી તરફ સમગ્ર મામલે ‘સેટિંગ’ની ચર્ચાએ પણ જોર પકડ્યું છે અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભાજપના કોર્પોરેટરનું નામ પણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે.
હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ આ બાંધકામ અંગે સ્થળ તપાસ કરી નિયમભંગ સાબિત થાય તો કાર્યવાહી કરશે કે પછી કોમન પ્લોટમાં ઉભી થયેલી ‘ઓફિસ’ આમ જ યથાવત રહેશે?









