રાજકોટ: અષાઢી બીજ અને રથયાત્રા પૂર્વે રાજકોટ પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરતી ‘વેપન કાર્ટેલ’ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પીસીબી (PCB)ની ટીમે મધ્યપ્રદેશના મીરજાપુર ગામ સાથે જોડાયેલી હથિયાર સપ્લાય ચેઇન તોડી પાડતાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 16 દેશી બનાવટના હથિયારો, 30 જીવતા કારતૂસ અને 4 મોબાઇલ ફોન સહિત રૂ.2.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કુવાડવા હાઈવે પર વાંકાનેર ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી મધ્યપ્રદેશના સકીલ સાદીક મન્સુરીને 5 દેશી પિસ્ટલ અને 20 જીવતા કારતૂસ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન સકીલે અગાઉ પણ ગેરકાયદેસર હથિયારો ચોટીલાના શખ્સોને સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપી હતી. તેના આધારે પોલીસે ચોટીલા અને બોધરાવદર વિસ્તારમાં દરોડા પાડી વધુ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં સકીલ સાદીક મન્સુરી (મીરજાપુર, ધાર-મધ્યપ્રદેશ), જયસુખ ઉર્ફે જેસો વાઘેલા (બોધરાવદર, જસદણ), ગાવસ્કર ઉર્ફે દર્શન ઉર્ફે અનિલ રોજાસરા (ચોટીલા), અનિલ વિરા ખેતરીયા (ચોટીલા) અને **પ્રદીપ કરપડા (ચોટીલા)**નો સમાવેશ થાય છે.
પોલીસે સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 16 દેશી બનાવટના હથિયારો, 30 જીવતા કારતૂસ અને 4 મોબાઇલ ફોન કબજે કર્યા છે. આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ હથિયાર સપ્લાય નેટવર્કના અન્ય સંપર્કો અને કડીઓ સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.









