પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભાભર-દિયોદર હાઈવે પર ખારા ગામ નજીક ગત રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં જૂનાગઢની એમ્બ્યુલન્સના ચાલક સહિત બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં એમ્બ્યુલન્સ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને બાવળની કાંટાળી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢની એમ્બ્યુલન્સ દર્દીને ટડાવ ગામે મૂકીને પરત ફરી રહી હતી. તે દરમિયાન ભાભરના ખારા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં કાર ચાલક પ્રકાશજી જોરાજી ઠાકોર (ઉંમર 25 વર્ષ), રહેવાસી વડા, તાલુકો ઓગડ તથા એમ્બ્યુલન્સ ચાલક અજીત શાહ મોમદ શાહ (ઉંમર 59 વર્ષ), રહેવાસી જૂનાગઢનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.









