નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાં સંભવિત ફેરફારો અને આગામી રાજકીય નિર્ણયો અંગેની અટકળો વચ્ચે દિલ્હીના રાજકારણમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની મુલાકાતના એક દિવસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી હતી.
સામાન્ય રીતે વડાપ્રધાન વિવિધ શાસકીય મુદ્દાઓને લઈને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરતા હોય છે, જ્યારે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત ખાસ પ્રસંગો અથવા મહત્વના વિષયો સાથે જોડાયેલી માનવામાં આવે છે. તેથી અમિત શાહની આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં અનેક અટકળોને વેગ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના એજન્ડામાં આગામી દિવસોમાં અનેક મહત્વના નિર્ણયો સામેલ હોઈ શકે છે. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળની સંભવિત પુનઃરચના, કેટલાક રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક અથવા ફેરબદલી અને અન્ય વહીવટી નિર્ણયો અંગે ચર્ચા ચાલી રહી છે.
આ ઉપરાંત આગામી સંસદના ચોમાસુ સત્રમાં સરકાર અનેક મહત્વપૂર્ણ વિધેયકો અને નીતિગત મુદ્દાઓ રજૂ કરવાની તૈયારીમાં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
જો કે, સરકાર તરફથી મંત્રીમંડળમાં ફેરફાર અથવા અન્ય રાજકીય નિર્ણયોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલ તમામ ચર્ચાઓ રાજકીય અટકળો અને સંભવિત ફેરફારોને આધારે ચાલી રહી છે.









