મહારાષ્ટ્રમાં યોજાનારી TET પરીક્ષા મોકૂફ, પેપર લીકની તપાસ શરૂ
મુંબઈ: નીટ પરીક્ષાના પેપર લીક વિવાદ બાદ હવે મહારાષ્ટ્રમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પણ પેપર લીકના વિવાદમાં સપડાઈ છે. આવતીકાલે યોજાનારી TET પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર લીક થવાની આશંકા સામે આવતા પરીક્ષા તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ભિવંડી વિસ્તારમાં કેટલાક લોકો પાસે પરીક્ષાનું પ્રશ્નપત્ર પહોંચ્યાની માહિતી પોલીસને મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલું પ્રશ્નપત્ર સત્તાવાર પ્રશ્નપત્ર સાથે નોંધપાત્ર રીતે મળતું આવતું હોવાનું સામે આવતા સત્તાવાળાઓએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પરીક્ષા શિક્ષક ભરતી અને લાયકાત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પોલીસે સમગ્ર મામલે અનેક લોકોની પૂછપરછ શરૂ કરી છે અને પ્રશ્નપત્ર કઈ રીતે અને ક્યાંથી લીક થયું તેની તપાસ ચાલી રહી છે. પેપર લીકના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ એજન્સીઓ સક્રિય બની છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં નીટ પરીક્ષાના પ્રશ્નપત્ર લીક મામલે પણ મહારાષ્ટ્રનું નામ સામે આવ્યું હતું. હવે ફરી એક મહત્વપૂર્ણ પરીક્ષા પહેલાં પેપર લીકની ઘટના સામે આવતા પરીક્ષા પ્રણાલીની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.









