સુરતના મોટા વરાછામાં તાપી નદીના પાળામાં મોટું ગાબડું: નદી કિનારે ધોવાણથી ગભરાટ, ઇમારતો પર સંકટના વાદળ

સુરત: સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના કિનારે ભારે ધોવાણની ઘટના સામે આવી છે. તાજેતરના ભારે વરસાદ બાદ નદીના પાળાના ત્રણ અલગ-અલગ સ્થળે મોટાં ગાબડાં પડતાં સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે.

નદીના સતત ધસારાને કારણે કિનારાની જાહેર ફૂટપાથનો મોટો ભાગ જમીનમાં ધસી ગયો છે. પરિણામે નદીકાંઠે આવેલા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ આસપાસની મિલકતો માટે જોખમ ઊભું થયું છે.

સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે જ્યાં પાળામાં ધોવાણ થયું છે, ત્યાંથી માત્ર 45થી 50 ફૂટના અંતરે બહુમાળી રહેણાંક ઇમારતોનું નિર્માણ ચાલી રહ્યું છે. જો ધોવાણની ગતિ યથાવત રહેશે તો ઇમારતોના પાયા પર પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક રહીશો અને બિલ્ડરોમાં સ્થિતિને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. વરસાદી માહોલ વચ્ચે વધુ ધોવાણ થવાની ભીતિને કારણે લોકો તાત્કાલિક સુરક્ષાત્મક પગલાંની માંગ કરી રહ્યા છે.

સ્થાનિક તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોની સલાહ બાદ પાળાને મજબૂત બનાવવા અને વધુ ધોવાણ અટકાવવા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.

Leave a Comment

Traffic Tail