સુરત: સુરતના હજીરા વિસ્તારમાં ONGC નજીક L&T કંપનીની કર્મચારી બસનો અકસ્માત સર્જાતા 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રસ્તા પર ઉભેલા ટ્રક સાથે બસ પાછળથી અથડાતા આ અકસ્માત બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને તાત્કાલિક બચાવ ટીમોએ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી સારવાર માટે L&T હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. સાથે જ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.









