દ્વારકા: દ્વારકામાં બે અલગ-અલગ મારામારીના બનાવોમાં પોલીસે કુલ 20 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રૂપેણ બંદર વિસ્તારમાં બે યુવકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પ્રૌઢ પર સામૂહિક હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બનાવમાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, રૂપેણ બંદરના 58 વર્ષીય ઉમરભાઈ ઓસમાણભાઈ લુચાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઈશા ઈબ્રાહીમ ઇસબાણી, સાદીક ઈશા, મામદ ઉર્ફે ડાડા ઈબ્રાહીમ, રફીક ઈબ્રાહીમ, ઇરફાન અયુબ, ઇમ્તિયાઝ ઈસા, રસીદ રફીક, મહેબૂબ મામદ ઉર્ફે ડાડા, ફારુક ઈબ્રાહીમ, મુસ્તફા ડાડા, અસલમ મામદ, રીઝવાન રફીક, સબીર હુસેન, અંસાર અયુબ, અયુબ સુલેમાન અને જમીલ ઈસા ઇસબાણી સહિત કુલ 16 શખ્સો ગેરકાયદેસર રીતે એકત્ર થઈ હુમલો કરવા પહોંચ્યા હતા.
ફરિયાદ મુજબ આરોપીઓ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે આવ્યા હતા. તેમણે ઉમરભાઈ તેમજ તેમના ભત્રીજા સાહેદ સાથે ગાળાગાળી કરી મારપીટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે દ્વારકા પોલીસે રાયોટિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં દ્વારકાના ઇસ્કોન ગેટ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય દેવીયાભાઈ લખમણભાઈ કારીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભોગાત ગામના ખીમાભાઈ દેશુર લુણાને અગાઉ ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરતાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.
ફરિયાદ અનુસાર, આ મુદ્દે ઉશ્કેરાયેલા ખીમા દેશુર, પુંજા દેશુર, માધા દેશુર અને દેશુર ખીમા સહિત ચાર શખ્સોએ દેવીયાભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા દેવીયાભાઈને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ નોંધાયું છે.
દ્વારકા પોલીસે બંને બનાવોમાં અલગ-અલગ ગુના નોંધી આરોપીઓને ઝડપી પાડવા તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.









