આજથી ગુજરાતભરમાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ

આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી-2027નો પ્રારંભ, પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે જનગણના

અમદાવાદ: દેશની 16મી અને આઝાદી બાદની 8મી જનગણનાનો આજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. આ વખતે પ્રથમવાર જનગણના સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી કરવામાં આવી રહી છે, જેના કારણે પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનશે.

જનગણનાનો પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ઘર અને મકાનોની ગણતરી કરવામાં આવશે તેમજ પરિવારો પાસેથી કુલ 33 પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવશે. તેમાં રહેઠાણ, પરિવારના સભ્યો, શિક્ષણ, સુવિધાઓ અને અન્ય સામાજિક-આર્થિક વિગતોનો સમાવેશ થાય છે.

જનગણનાના બીજા તબક્કાની શરૂઆત ફેબ્રુઆરી 2027માં થશે, જેમાં વ્યક્તિગત વિગતો ઉપરાંત પ્રથમવાર વ્યાપક સ્તરે જાતિ આધારિત માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રક્રિયા માટે વિશેષ ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીમાં 3.74 લાખથી વધુ લોકો સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયામાં જોડાઈ ચૂક્યા છે. નાગરિકો પોતે પણ ઓનલાઈન માધ્યમથી પોતાની વિગતો નોંધાવી શકશે, જેના કારણે ગણતરી પ્રક્રિયામાં સરળતા રહેશે.

સરકારનું માનવું છે કે જનગણના-2027ના આંકડાઓ ભવિષ્યની વિકાસ યોજનાઓ, નીતિ નિર્માણ, સંસાધનોના વિતરણ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ સાબિત થશે. જનગણનાની કામગીરી માટે રાજ્યભરમાં અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે અને સમગ્ર પ્રક્રિયા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે

Leave a Comment

Traffic Tail