રૈયા ચોકડીમાં જાહેર ફૂટપાથ પર ખનિજનો વેપલો! દબાણથી રાહદારીઓ ત્રાહિમામ, તંત્રની મૌન ભૂમિકા સામે સવાલ

રાજકોટના રૈયા ચોકડી વિસ્તારમાં જાહેર ફૂટપાથ પર ખુલ્લેઆમ રેતી સહિતના ખનિજનો જથ્થો ખડકી વેપાર કરવામાં આવતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ફૂટપાથ પર થયેલા દબાણના કારણે રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડી રહી છે, જ્યારે સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

રાજકોટ શહેરના વ્યસ્ત રૈયા ચોકડી વિસ્તારમાં જાહેર ફૂટપાથ પર મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો ખડકવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ફૂટપાથ પર થયેલા આ દબાણને કારણે પગપાળા પસાર થતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેર માર્ગ અને ફૂટપાથનો ઉપયોગ ખાનગી વેપાર માટે કરવામાં આવી રહ્યો છે, જે નિયમોના ખુલ્લા ભંગ સમાન છે.

સ્થાનિકોનું કહેવું છે કે ફૂટપાથ પર રેતીના ઢગલાના કારણે લોકોને રોડ પર ઉતરીને ચાલવું પડે છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રકારનું દબાણ લાંબા સમયથી હોવા છતાં જવાબદાર વિભાગો દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

રહેવાસીઓએ રાજકોટ મહાનગરપાલિકા, ખાણ-ખનિજ વિભાગ અને ટ્રાફિક તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી જાહેર ફૂટપાથ પરથી દબાણ દૂર કરાવવા તેમજ જવાબદારો સામે કડક પગલાં લેવા માંગ કરી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

Leave a Comment

Traffic Tail