બાળકોની ઓનલાઈન સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી
નવી દિલ્હીઃ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. બાળકોને ઓનલાઈન જોખમોથી સુરક્ષિત રાખવા માટે કડક નિયમો બનાવવાની માગ કરતી અરજી પર કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.
‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ’ નામની એનજીઓએ આ અરજી દાખલ કરી છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે સગીરોને સોશિયલ મીડિયા સહિતના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરાવતી વખતે માતા-પિતા અથવા કાનૂની વાલીની ફરજિયાત સંમતિ અને સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે.
ફેસબુક-સ્નેપચેટ સહિતના પ્લેટફોર્મ પર સવાલ
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ફેસબુક અને સ્નેપચેટ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ પર 13 વર્ષની ઉંમરથી એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને સગીર માનવામાં આવે છે. આ કારણે બાળકોની ઓનલાઈન સુરક્ષા અને વ્યક્તિગત માહિતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
IT રૂલ્સમાં ફેરફારની માગ
અરજદાર સંસ્થાએ IT (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021માં જરૂરી ફેરફાર કરવા અથવા સગીરોની સુરક્ષા માટે અલગ માર્ગદર્શિકા બનાવવાના નિર્દેશની માગ કરી છે.
અરજી મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે કોઈ ડિજિટલ પ્લેટફોર્મે માતા-પિતા અથવા કાનૂની વાલીની સંમતિ વિના કરાર ન કરવો જોઈએ. આ માટે વાલીની ઓળખની ચકાસણી અને ઈ-કેવાયસી જેવી વ્યવસ્થા ફરજિયાત કરવાની પણ માગ કરવામાં આવી છે.
બાળકો સામે ઓનલાઈન જોખમો
અરજીમાં જણાવાયું છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકોની અનિયંત્રિત પહોંચથી ઓનલાઈન ગ્રૂમિંગ, યૌન શોષણ, તસ્કરી, સાયબર બુલિંગ, વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ અને વયને અનુરૂપ ન હોય તેવા કન્ટેન્ટ જેવા જોખમો ઊભા થઈ શકે છે.
હવે સુપ્રીમ કોર્ટની નોટિસ બાદ કેન્દ્ર સરકાર આ મામલે શું જવાબ આપે છે તેના પર નજર રહેશે. અરજીમાં કરવામાં આવેલી માગ સ્વીકારવામાં આવે છે કે નહીં તે અંગેનો નિર્ણય આગળની કાનૂની કાર્યવાહી દરમિયાન થશે.









