સામાન્ય ટ્રાફિક ચેકિંગમાં વાહનની ચાવી લઈ શકાતી નથી; દંડની વસૂલાત માટે કાયદેસરની પ્રક્રિયા જરૂરી : તેલંગાણા હાઈકોર્ટ
હૈદરાબાદઃ ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસને વાહન રોકીને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા જરૂરી દસ્તાવેજોની તપાસ કરવાનો અધિકાર છે. જોકે, માત્ર ટ્રાફિક નિયમના ભંગ અથવા અગાઉના પેન્ડિંગ ચલણની વસૂલાત માટે પોલીસ વાહનની ચાવી લઈ શકે નહીં. તેલંગાણા હાઈકોર્ટે એક ચુકાદામાં આ બાબતે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે.
કોર્ટ સમક્ષ રજૂ થયેલા મામલામાં પેન્ડિંગ ટ્રાફિક પેનલ્ટી વસૂલવા માટે વાહનચાલકને સ્થળ પર જ દંડ ભરવા માટે દબાણ કરવાનો મુદ્દો સામે આવ્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે દંડની વસૂલાત માટે કાયદામાં નિર્ધારિત પ્રક્રિયા છે અને પોલીસ તે પ્રક્રિયાને અવગણીને રસ્તા પર જ બળજબરીપૂર્વક વસૂલાત કરી શકે નહીં.
દસ્તાવેજો માગી શકે, ચાવી નહીં
મોટર વ્હીકલ એક્ટ હેઠળ અધિકૃત પોલીસ અધિકારી વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સહિતના જરૂરી દસ્તાવેજો ચકાસી શકે છે. વાહન કાયદેસર છે કે નહીં અને ચાલક પાસે માન્ય લાઇસન્સ છે કે નહીં તેની તપાસ કરવી પોલીસની નિયમિત કામગીરીનો ભાગ છે.
જોકે, સામાન્ય રૂટીન ચેકિંગ દરમિયાન માત્ર દસ્તાવેજોની તપાસ માટે વાહનની ચાવી લઈ લેવાનો અધિકાર પોલીસને મળતો નથી. વાહન જપ્ત કરવા માટે ચોક્કસ કાયદાકીય કારણ અને નિર્ધારિત પ્રક્રિયા હોવી જરૂરી છે.
જપ્તી થાય તો કાર્યવાહીનું કારણ જણાવવું પડશે
જો કાયદા મુજબ કોઈ અસાધારણ સંજોગોમાં વાહન, ચાવી અથવા લાઇસન્સ જપ્ત કરવામાં આવે તો તેની સત્તાવાર નોંધ કરવી તથા જરૂરી રસીદ આપવી પડે છે. સાથે જ જપ્તીની કાર્યવાહી કયા કારણસર કરવામાં આવી છે તેની માહિતી વાહનચાલકને આપવી જરૂરી બને છે.
લાંબા સમયથી બાકી દંડ અથવા કાયદામાં દર્શાવેલી અન્ય પરિસ્થિતિઓમાં લાઇસન્સ જપ્ત કરવાની જોગવાઈ હોઈ શકે છે, પરંતુ આવી સ્થિતિમાં પણ અધિકારીએ નિયમ મુજબની પ્રક્રિયા અનુસરવી પડે છે.
વાહનચાલકે પણ કાયદો હાથમાં ન લેવો
ટ્રાફિક ચેકિંગ દરમિયાન કોઈ પ્રકારની બળજબરી થાય તો વાહનચાલકે અધિકારીનો બેજ નંબર, પોલીસ વાહન નંબર, સ્થળ અને સમય જેવી વિગતો નોંધી રાખવી જોઈએ. વાહન કે ચાવી જપ્ત કરવામાં આવે તો તેની સત્તાવાર રસીદ અને કાર્યવાહીનું કારણ મેળવવું જોઈએ.
જોકે, આ દરમિયાન પોલીસ સાથે ઝઘડો કે ગેરવર્તન કરવાને બદલે શાંતિપૂર્વક કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. પોતાના અધિકારો અંગે ફરિયાદ કે કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવી શકાય છે.









