18.467 કિલો ગાંજો મળવાના કેસમાં પોલીસને ચકમો આપનાર યુપીનો આરોપી વતન જવાની તૈયારીમાં હતો
રાજકોટઃ રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ.9.41 લાખની કિંમતના 18.467 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયા બાદ ફરાર થયેલા તેના સાગરીતને પણ રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી ઉત્તર પ્રદેશ પોતાના વતન જવાની તૈયારીમાં હતો, તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
રેલવે એલસીબી પીઆઈ જે.આર. દેસાઈની રાહબરી હેઠળ પીએસઆઈ જે.એમ. પરમાર અને ટીમે તા. 6 સપ્ટેમ્બરે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર વાંકાનેર તરફના છેડા પાસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બે શખ્સો શંકાસ્પદ રીતે વજનદાર ટ્રોલી બેગ લઈને ફરતા જણાયા હતા. પોલીસ તેમને અટકાવે તે પહેલાં એક શખ્સ નાસી છૂટ્યો હતો, જ્યારે કર્મવીર પાટીલ ઝડપાઈ ગયો હતો.
કર્મવીર પાટીલની ટ્રોલી બેગની તપાસ કરતાં તેમાંથી 18.467 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.9.41 લાખ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાંજો કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને ફરાર સાગરીતની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન એલસીબીના કોન્સ્ટેબલ હસમુખભાઈ રાઘવભાઈને બાતમી મળી હતી કે ફરાર આરોપી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશમાં પોતાના વતન જવાની તૈયારીમાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી **હર્ષસિંહ લલકસિંહ (ઉં.વ.25, રહે. તેદુરા, બાંદા, યુપી)**ને ઝડપી પાડ્યો હતો.
આ કામગીરીમાં પીએસઆઈ જે.એમ. પરમાર, એએસઆઈ હરપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ તેમજ કોન્સ્ટેબલ હસમુખભાઈ, ભુપતભાઈ, જયેશભાઈ અને દિવ્યરાજસિંહ જોડાયા હતા. સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.









