યુપીમાં સરકારી તબીબો હવે 70 વર્ષની વય સુધી સેવા આપી શકશે

65 વર્ષની વયે નિવૃત્તિ બાદ પુનઃનિયુક્તિથી વધુ 5 વર્ષ સેવા આપવાની તક

લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. રાજ્યમાં સરકારી તબીબોની સેવાઓનો સમય વધારવામાં આવશે. હાલ તબીબો 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે, પરંતુ હવે નિવૃત્તિ બાદ તેઓ 70 વર્ષની વય સુધી પુનઃનિયુક્તિ મેળવીને સેવા આપી શકશે.

નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકની સૂચના બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે આદેશ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નિર્ણયથી સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં અનુભવી તબીબોની ઉપલબ્ધતા વધશે. ખાસ કરીને વિશેષજ્ઞ ડોક્ટરોની અછત ધરાવતા વિભાગોને તેનો સીધો લાભ મળવાની આશા છે.

શિક્ષણ સંસ્થાઓમાં 2500 વર્ગ-3ની ભરતી

સરકારે શિક્ષણ ક્ષેત્રે પણ ભરતીનો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીઓ, ડિગ્રી કોલેજો, ટેકનિકલ અને કૃષિ શિક્ષણ સંસ્થાઓમાં વર્ગ-3ની આશરે 2500 જગ્યાઓ ભરવામાં આવશે.

આ ભરતી UPSSSC દ્વારા કરવામાં આવશે. સંબંધિત વિભાગો દ્વારા ટૂંક સમયમાં વિગતવાર રિક્વિઝિશન મોકલવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 500થી વધુ જગ્યાઓ સહિત વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ ભરાતા શૈક્ષણિક અને વહીવટી કામગીરીને વધુ વેગ મળવાની શક્યતા છે.

સરકારના આ બંને નિર્ણયથી એક તરફ સરકારી આરોગ્ય સેવાઓમાં અનુભવી તબીબોની ઉપલબ્ધતા વધશે, તો બીજી તરફ શિક્ષણ સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ ભરાતા વહીવટી કામગીરીને પણ મજબૂતી મળશે.

Leave a Comment

Traffic Tail