નવી દિલ્હી: હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં એન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિરોધક બેક્ટેરિયલ ચેપનું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેશની 20 હોસ્પિટલો પર કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે ડ્રગ-રેઝિસ્ટન્ટ ચેપ ધરાવતા દર્દીઓમાં સામાન્ય ચેપની સરખામણીએ મૃત્યુનું જોખમ 43% સુધી વધારે હોય છે. આવા દર્દીઓની સારવાર પાછળનો ખર્ચ પણ બમણો થઈ શકે છે.
‘ધ લેન્સેટ રીજનલ હેલ્થ–સાઉથ ઈસ્ટ એશિયા’માં પ્રકાશિત આ અભ્યાસમાં એપ્રિલ 2022થી 2025 દરમિયાન 1,59,336 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું. જેમાં 26,213 દર્દીઓમાં ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયલ ચેપ નોંધાયો હતો. આમાંથી 16,025 દર્દીઓ એટલે કે 61.1%માં કાર્બાપેનેમ-રેઝિસ્ટન્ટ ચેપ જોવા મળ્યો હતો.
સ્યુડોમોનાસમાં 43% અને ઈ. કોલાઈમાં 41% વધુ જોખમ
અભ્યાસ અનુસાર કાર્બાપેનેમ-રેઝિસ્ટન્ટ ચેપ ધરાવતા દર્દીઓમાં મૃત્યુનું જોખમ કાર્બાપેનેમ-સંવેદનશીલ ચેપ ધરાવતા દર્દીઓ કરતાં નોંધપાત્ર રીતે વધારે હતું. સ્યુડોમોનાસના ચેપમાં મૃત્યુનું જોખમ 43% અને ઈ. કોલાઈના ચેપમાં 41% વધુ જોવા મળ્યું હતું.
દર 100માંથી 32 દર્દીઓનાં મોત
ગ્રામ-નેગેટિવ ચેપ ધરાવતા તમામ દર્દીઓમાં હોસ્પિટલ મૃત્યુદર 27.7% નોંધાયો હતો. જ્યારે કાર્બાપેનેમ-રેઝિસ્ટન્ટ ચેપ ધરાવતા દર્દીઓમાં આ મૃત્યુદર વધીને 31.6% થયો હતો. તેની સામે કાર્બાપેનેમ-સંવેદનશીલ ચેપવાળા દર્દીઓમાં મૃત્યુદર 21.6% રહ્યો હતો.
આ આંકડા દર્શાવે છે કે કાર્બાપેનેમ-રેઝિસ્ટન્ટ ચેપ ધરાવતા દર 100 દર્દીઓમાંથી આશરે 32 દર્દીઓના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા.









