રાજકોટના પાંચ ઉદ્યોગકારો સાથે રૂ.144 કરોડની છેતરપિંડીનો આક્ષેપ, કોલસાના વેપારના નામે કરાવ્યું રોકાણ

રાજકોટ: ઇન્ડોનેશિયન કોલસાના વેપારમાં રોકાણ કરાવી પાંચ વર્ષ બાદ ઊંચું વળતર આપવાની લાલચ આપી રાજકોટના પાંચ ઉદ્યોગકારો પાસેથી રૂ.1,44,19,26,000નું રોકાણ કરાવી છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ GPID એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ ટર્નરેસ્ટ રીસોર્સીસ પ્રા.લિ. સાથે સંકળાયેલા જય ચોટલીયા, મિતેષ સંઘવી અને મનીષ ડાંગીએ ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત કરી મોટા પાયે વેપાર કરવાની વાત કહી રોકાણકારોને વિશ્વાસમાં લીધા હતા. કંપની આગામી પાંચ વર્ષમાં રૂ.1,500થી રૂ.2,000 કરોડનું ટર્નઓવર કરશે અને રોકાણકારોને ઊંચું વળતર મળશે તેવી ખાતરી અપાઈ હોવાનો આક્ષેપ છે.

રોકાણ માટે બેંક ડિપોઝિટ, કંપનીના શેર તથા મિલકતો ગીરવે રાખી લોન/CC મેળવવાની અલગ-અલગ યોજનાઓ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વર્ષ 2018થી 2023 દરમિયાન વિવિધ રીતે કુલ રૂ.144.19 કરોડનું રોકાણ કરાયું હોવા છતાં વળતર કે મૂળ રકમ પરત ન મળી હોવાનો ફરિયાદીનો દાવો છે.

બનાવટી સહીથી લોન અને દસ્તાવેજોનો આક્ષેપ

ફરિયાદમાં કેટલાક રોકાણકારોની જાણ બહાર તેમની મિલકતો ગીરવે રાખવા તથા લોન/CC રિન્યુ કરવા માટે બનાવટી સહી અને દસ્તાવેજોનો ઉપયોગ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક ઓડિટમાં પણ કંપનીના નાણાકીય વ્યવહારો અને રકમના કથિત ડાયવર્ઝન અંગે વિગતો સામે આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદ મુજબ એક રોકાણકારને ગીરવે મૂકેલી મિલકત છોડાવવા માટે રૂ.41 કરોડ ચૂકવવા પડ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં પણ આશરે રૂ.64 કરોડની લોન સંબંધિત ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે.

હાલ પોલીસ દ્વારા કંપનીના બેંક ખાતાં, લોન-CCના દસ્તાવેજો, રોકાણની રકમ અને સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail