અમેરિકા-ઈરાન યુદ્ધમાં ફરી ભડકો, હોર્મુઝથી જોર્ડન સુધી હુમલાના દાવા

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સાત મહિનાથી વધુ જૂના યુદ્ધમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. હોર્મુઝ જળમાર્ગથી જોર્ડન સુધી મિસાઈલ અને ડ્રોન હુમલાઓના દાવાઓ વચ્ચે મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

અમેરિકાએ દાવો કર્યો છે કે પર્સિયન ગલ્ફમાં ઈરાનના ખર્ગ ટાપુ પરથી ક્રૂડ ઓઈલના પરિવહન સાથે જોડાયેલા પાંચ ઈરાની ઓઈલ ટેન્કરોને અમેરિકી નૌસેનાએ બેલેસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યા હતા. હુમલા પહેલાં ટેન્કરોમાં સવાર ક્રૂ અને ખલાસીઓને જહાજ ખાલી કરવાની ચેતવણી અપાઈ હતી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઈરાનનો પણ વળતો હુમલો

આ પહેલાં 5 સપ્ટેમ્બરે ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઈરાને અમેરિકી દળો સામે જવાબી કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ મુજબ, હોર્મુઝ જળમાર્ગમાંથી મંજૂરી વિના પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે અમેરિકી યુદ્ધજહાજ, આઠ ઓઈલ ટેન્કર અને અન્ય 10 જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર પણ ડ્રોન અને મિસાઈલ હુમલા કરાયાનો દાવો ઈરાને કર્યો છે.

અમેરિકી ડ્રોન કબજે કર્યાનો દાવો

ઈરાને જણાવ્યું છે કે દક્ષિણ ઈરાનના જાસ્ક બંદર નજીક તૈનાત અમેરિકી દળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત, હોર્મુઝ વિસ્તારમાંથી અમેરિકાનું આધુનિક માનવરહિત અન્ડરવોટર વેસલ કબજે કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, અમેરિકાએ ઈરાની હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે તેમાં કોઈ નુકસાન થયું નથી.

અમેરિકાના જણાવ્યા મુજબ, ઈરાન ગુપ્ત નેટવર્ક મારફતે આ ઓઈલ ટેન્કરોનો ઉપયોગ કરીને ક્રૂડ ઓઈલનું વેચાણ કરી રહ્યું હતું. બંને દેશો વચ્ચે વધેલા તણાવની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે અને ભાવ 100 ડોલરની સપાટી પાર કરી ગયા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં પણ ચિંતા વધી છે.

Leave a Comment

Traffic Tail