બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક; પશ્ચિમ એશિયાની સ્થિતિ પર દુનિયાની નજર
બિશ્કેક: ઈરાનમાં યુદ્ધના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ઈરાનમાં યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હોવાનું જણાવાયું છે.
બંને નેતાઓની આ મુલાકાત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના 26મા શિખર સંમેલન દરમિયાન યોજાઈ હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને ઈરાનના નેતાઓ વચ્ચેની આ મુલાકાત પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખાસ નજર રહી હતી.
SCO સમિટ માટે બિશ્કેક પહોંચ્યા PM મોદી
કિર્ગિઝસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર જાપારોવના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી 26મા SCO શિખર સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક પહોંચ્યા હતા. બિશ્કેક પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
SCO સમિટ દરમિયાન PM મોદીએ અન્ય દેશોના નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાતો કરી હતી.
પેઝેશ્કિયાને પણ વિવિધ નેતાઓ સાથે કરી ચર્ચા
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને SCO સમિટ અને SCO Plus બેઠકમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન તેમણે PM મોદી ઉપરાંત રશિયા, પાકિસ્તાન, કિર્ગિઝસ્તાન અને તાજિકિસ્તાનના નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.
‘ઈરાન યુદ્ધ નથી ઈચ્છતું’
મુલાકાત પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને ઈરાનનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ કોઈપણ આક્રમણનો મજબૂત જવાબ આપશે.
તેમણે પ્રાદેશિક શાંતિ અને સહઅસ્તિત્વ પર ભાર મૂક્યો હતો. પેઝેશ્કિયાને SCO સમિટને મુક્ત અને સ્વતંત્ર અવાજોનું પ્રતીક ગણાવ્યું હતું.
ભારત-ઈરાન સંબંધોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બેઠક
ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો રહ્યા છે. પશ્ચિમ એશિયામાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે બંને દેશોના વડાઓની આ બેઠકને દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.









