આગામી માસમાં ભારતમાં ફરી મળશે મોદી-પુતિન-શી જિનપિંગ

SCO સમિટ બાદ BRICS બેઠકમાં ત્રણેય નેતાઓ ફરી એક મંચ પર; વૈશ્વિક તણાવ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

નવી દિલ્હી: વિશ્વના અનેક દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. ત્રણેય નેતાઓ 26મી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર પરિષદમાં ભાગ લેવા કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા છે.

બિશ્કેકમાં યોજાનારી SCO બેઠક દરમિયાન મોદી, પુતિન અને જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની શક્યતા છે. આ સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ ભાગ લઈ રહ્યા છે.

મોદી-શાહબાઝ એક જ મંચ પર

SCO સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ એક જ મંચ પર હાજર રહેશે. જોકે, બંને નેતાઓ વચ્ચે અલગથી દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચેના વર્તમાન તણાવને ધ્યાનમાં રાખતાં બંને નેતાઓની એક જ મંચ પર હાજરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સપ્ટેમ્બરમાં ભારતમાં ફરી મુલાકાત

SCO સમિટ બાદ ભારતમાં BRICS શિખર બેઠક યોજાવાની છે. તેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવે તેવી શક્યતા છે.

આમ, આગામી સમયમાં મોદી-પુતિન-જિનપિંગની સતત બીજી મુલાકાત જોવા મળી શકે છે. BRICS બેઠકમાં ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધનું સંકટ, અમેરિકા સાથેના સંબંધો, વૈશ્વિક રાજકીય તણાવ અને BRICSના આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ મહત્વના બની શકે છે.

ભારતની રાજદ્વારી સક્રિયતા તેજ

ચીન અને રશિયા સાથેના સંબંધોને લઈને ભારતની રાજદ્વારી પ્રવૃત્તિ પણ વધી છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચીનની મુલાકાતે ગયા હતા, જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર રશિયા ગયા હતા.

SCOની સ્થાપના 2001માં કરવામાં આવી હતી. 10 સભ્યો ધરાવતા આ સંગઠનની હાલની બેઠક 26મી શિખર બેઠક છે.

SCO બાદ ભારતમાં યોજાનારી BRICS બેઠકમાં ત્રણેય શક્તિશાળી દેશોના નેતાઓ ફરી એકસાથે આવશે, જેના કારણે બંને બેઠકો પર વૈશ્વિક રાજકીય વર્તુળોની ખાસ નજર રહેશે.

Leave a Comment

Traffic Tail