સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, વિઝિટર વિઝા અને સિટીઝનશિપ—ચારેયમાં ભારતીયો નંબર વન; આશ્રય માંગવામાં ભારત 8મા ક્રમે
નવી દિલ્હી, 28: અમેરિકા અને બ્રિટનમાં વસવાટ કરવો ભારતીયો માટે વર્ષોથી મોટા સપના સમાન રહ્યો છે. અભ્યાસ, સારી નોકરી, વ્યવસાય અને કાયમી વસવાટ માટે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો બ્રિટનનો રસ્તો અપનાવે છે. બ્રિટનની તાજેતરની ઈમિગ્રેશન તસવીર જોતા એક તરફ ભારતીયો લગભગ દરેક મહત્વની વિઝા કેટેગરીમાં આગળ છે, તો બીજી તરફ હજારો ભારતીયોએ બ્રિટનમાંથી સ્વૈચ્છિક રીતે પરત ફરવાનું પણ પસંદ કર્યું છે.
બ્રિટનના ગૃહ મંત્રાલયના આંકડા મુજબ જૂનના અંત સુધીમાં કુલ 2,34,841 વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે અગાઉના વર્ષની સરખામણીમાં આ સંખ્યામાં 18 ટકાનો ઘટાડો થયો છે. તેમ છતાં વિઝા મેળવનારા દેશોમાં ભારત પ્રથમ સ્થાને છે. કુલ મંજૂર વિઝામાંથી 47,009 વિઝા ભારતીય નાગરિકોને મળ્યા છે, જે આશરે 20 ટકા થાય છે. તેમાં ખાસ કરીને 37,402 વર્ક વિઝાનો સમાવેશ થાય છે.
ઈમિગ્રેશન નીતિ કડક છતાં ભારતીયો નંબર વન
બ્રિટન હવે ઈમિગ્રેશનને લઈને વધુ સાવચેત બન્યું છે. વિદેશી કામદારોને આપવામાં આવતા વિઝાની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને કેર વર્કર કેટેગરીમાં મોટો કાપ મૂકાયો છે.
હોસ્પિટલ, નર્સિંગ અને વૃદ્ધો તથા દર્દીઓની સંભાળ સાથે સંકળાયેલા કેર વર્કરો માટેના વિઝામાં આ સમયગાળા દરમિયાન 62 ટકાનો ઘટાડો થયો છે. તેમ છતાં વર્ક વિઝા મેળવવામાં ભારતીયો સૌથી આગળ રહ્યા છે.
બ્રિટનમાં ભણવા માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ
બ્રિટનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓનો રસ પણ યથાવત્ છે. ભારતમાંથી 89,763 સ્ટડી વિઝા માટે અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી 83,958 અરજીઓ મંજૂર થઈ હતી.
ચીન બીજા ક્રમે છે. બ્રિટને આ સમયગાળામાં કુલ 3,83,455 સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા. 2023ની સરખામણીમાં સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં 41 ટકા ઘટાડો થયો છે, જ્યારે અગાઉના વર્ષની સરખામણીમાં 11 ટકા ઘટાડો નોંધાયો છે.
તેમ છતાં ભારત અને ચીનના વિદ્યાર્થીઓને મળીને કુલ સ્ટુડન્ટ વિઝાના લગભગ 46 ટકા વિઝા મળ્યા છે.
બ્રિટન ફરવા જવામાં પણ ભારતીયો સૌથી આગળ
બ્રિટનમાં પ્રવાસ અને મુલાકાત માટે જનારાઓમાં પણ ભારતીયોનો દબદબો જોવા મળે છે. જૂન સુધીમાં કુલ 5,14,398 વિઝિટર વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા.
આ પૈકી આશરે 24 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા. એટલે પરિવારને મળવા, પ્રવાસ કરવા અથવા અન્ય ટૂંકા ગાળાના હેતુસર બ્રિટન જનારાઓમાં પણ ભારતીયો સૌથી મોટો હિસ્સો ધરાવે છે.
સિટીઝનશિપમાં પણ ભારત પ્રથમ
બ્રિટનમાં કાયમી વસવાટ તરફ આગળ વધનારા ભારતીયોની સંખ્યા પણ નોંધપાત્ર છે. જૂન સુધીમાં 24,851 ભારતીયોને બ્રિટિશ સિટીઝનશિપ આપવામાં આવી હતી.
આ રીતે બ્રિટનમાં પ્રવેશ મેળવવાની ચાર મુખ્ય કેટેગરીમાં—સ્ટુડન્ટ, વર્ક, વિઝિટર અને સિટીઝનશિપ—ભારત નંબર વન હોવાનું આંકડાઓ દર્શાવે છે.
જોખમી નાની હોડીઓથી પહોંચેલા 471 ભારતીય
બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકોમાં પણ ભારતીયોનો સમાવેશ થાય છે, જોકે આ યાદીમાં ભારત ટોચ પર નથી.
ફ્રાન્સ અને અન્ય યુરોપિયન દેશોના કિનારેથી નાની રબરની હોડીઓ મારફતે જોખમી દરિયાઈ માર્ગે બ્રિટનમાં પહોંચેલા લોકોમાં 471 ભારતીયો હોવાનું જણાવાયું છે. આ સંખ્યાના આધારે ભારત ગેરકાયદેસર પ્રવેશના મામલે 12મા ક્રમે છે.
આફ્રિકાના વિવિધ દેશો તેમજ અફઘાનિસ્તાનમાંથી જોખમી માર્ગે બ્રિટનમાં પહોંચનારા લોકોની સંખ્યા વધુ છે.
શરણ માંગવામાં પાકિસ્તાન નંબર વન
બ્રિટનમાં આશ્રય મેળવવા માટે અરજી કરનારા લોકોમાં પાકિસ્તાન પ્રથમ ક્રમે છે. પાકિસ્તાનના 8,395 નાગરિકોએ અત્યાચાર, અમાનવીય વ્યવહાર અથવા અન્ય કારણોસર બ્રિટનમાં શરણ માગ્યું છે.
આ પૈકી આશરે 25 ટકા અરજીઓને મંજૂરી મળી છે, જ્યારે બાકીના અરજદારો નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
આ યાદીમાં ભારત આઠમા ક્રમે છે. કુલ 4,964 ભારતીયોએ આશ્રય માટે અરજી કરી હતી, પરંતુ માત્ર 30 અરજીઓને મંજૂરી મળી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત અન્ય પ્રકારના વિઝા પર બ્રિટનમાં આવ્યા બાદ આશ્રય માટે અરજી કરનારા ભારતીયોની સંખ્યા પણ મોટી છે. આવા 3,390 ભારતીયોએ બ્રિટનમાં રહીને આશ્રય માટે અરજી કરી હતી.
2,224 ભારતીયોને હોટલમાં સરકારી સુવિધા
બ્રિટનમાં આશ્રયની પ્રક્રિયા હેઠળ રહેલા લોકોને સરકાર દ્વારા રહેઠાણ અને અન્ય મૂળભૂત સુવિધાઓ આપવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ 2,224 ભારતીયો ખાસ હોટલમાં બ્રિટિશ કરદાતાના નાણાંમાંથી મળતી સુવિધાઓ મેળવી રહ્યા હોવાનું જણાવાયું છે.
બીજી તરફ 633 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હોવાનું પણ આંકડાઓમાં જણાવાયું છે.
10,226 ભારતીયોએ કહ્યું—હવે બ્રિટન છોડીએ!
બ્રિટન છોડનારા ભારતીયોનો આંકડો પણ ધ્યાન ખેંચે તેવો છે. વિવિધ કારણોસર બ્રિટન છોડવાના હતા એવા કુલ 10,226 ભારતીયોએ ફરજિયાત રીતે પરત મોકલવામાં આવે તે પહેલાં જ સ્વૈચ્છિક રીતે બ્રિટન છોડી દીધું.
સ્વૈચ્છિક રીતે બ્રિટન છોડનારા લોકોમાં ભારતીયો ચોથા ક્રમે છે.
અર્થાત્ બ્રિટનમાં આવવામાં ભારતીયો સૌથી આગળ—ભણવામાં નંબર વન, નોકરીમાં નંબર વન, ફરવા જવામાં નંબર વન અને નાગરિકત્વ મેળવવામાં પણ નંબર વન. પરંતુ બીજી તરફ બ્રિટનમાંથી સ્વૈચ્છિક રીતે પરત ફરનારા લોકોમાં પણ ભારતનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે.
બ્રિટનની કડક બનતી ઈમિગ્રેશન નીતિ વચ્ચે આ આંકડા ભારતીયો માટે બ્રિટનના બદલાતા પરિપ્રેક્ષ્યની રસપ્રદ તસવીર રજૂ કરે છે. એક તરફ બ્રિટન ભારતીયો માટે ‘ડ્રીમ ડેસ્ટિનેશન’ બની રહ્યું છે, તો બીજી તરફ ઈમિગ્રેશન નિયમો, આશ્રયની પ્રક્રિયા અને પરત ફરવાની સ્થિતિ પણ હવે ચર્ચાનો મોટો વિષય બની રહી છે.









