નેપાળમાં કુદરતનો કાળોકેર : જળપ્રલયમાં 469ના મોત, 1500થી વધુ લાપતા; નવી આફતનું એલર્ટ

ગ્લેશિયર તળાવ ફાટતાં વિનાશક પૂરથી અનેક વિસ્તારો તબાહ; 4200 જવાનો બચાવમાં ઉતર્યા, ચીને સેટેલાઇટ-ડ્રોનથી મદદ શરૂ કરી

નવી દિલ્હી, 28: નેપાળમાં કુદરતના રૌદ્ર સ્વરૂપે એવી તબાહી મચાવી છે કે અનેક વિસ્તારોની ઓળખ જ બદલાઈ ગઈ છે. નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં ગ્લેશિયર તળાવ ફાટતાં અચાનક ધસમસતા પાણી અને કાટમાળે વિનાશ વેર્યો છે. જળ હોનારતમાં અત્યાર સુધી 469 લોકોના મોત થયાના અહેવાલો છે, જ્યારે 1500થી વધુ લોકો હજુ લાપતા છે. બચાવ કામગીરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક મકાનો, વાહનો અને પુલો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. કાદવ, માટી અને પથ્થરોના કાટમાળે મોટા વિસ્તારને ઢાંકી દીધો છે. અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વચ્ચે નેપાળની સેના અને બચાવ ટીમો દિવસ-રાત શોધખોળ કરી રહી છે.

ગ્લેશિયર તળાવ ફાટતાં વિનાશક પૂર

નેપાળ-તિબેટ સરહદ નજીક પહાડી વિસ્તારમાં હિમશીલા તૂટ્યા બાદ ગ્લેશિયર તળાવ ફાટ્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. તળાવમાંથી અચાનક મોટી માત્રામાં પાણી બહાર આવતા નીચેના વિસ્તારોમાં પૂર ફરી વળ્યું હતું.

પૂરનું પાણી માત્ર પાણી પૂરતું રહ્યું નહોતું. તેની સાથે ભારે માત્રામાં માટી, પથ્થરો અને કાટમાળ પણ ધસી આવ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં લિક્વિડ કોન્ક્રીટ જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ અને પુલો તૂટી જતાં બચાવ ટીમો માટે અસરગ્રસ્ત સ્થળો સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે.

નેપાળ ઉપરાંત તિબેટના કેટલાક વિસ્તારોમાં પણ પૂરથી ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. હેલિકોપ્ટરની મદદથી દુર્ગમ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

4200 જવાનો બચાવ કામગીરીમાં

નેપાળ સરકારે બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા સૈન્યના આશરે 4200 જવાનોને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કર્યા છે. જવાનો દ્વારા કાટમાળ હટાવીને જીવિત લોકોને શોધવા તેમજ મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જ્યાં રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે ત્યાં હેલિકોપ્ટર મારફતે રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

નવી આફતનું જોખમ : લેવલ-4 ઇમરજન્સી

જળ હોનારતનો ખતરો હજી ટળ્યો નથી ત્યાં વધુ એક સંભવિત આફતનું જોખમ ઊભું થયું છે. બે નદીઓના સંગમ નજીક નવું સરોવર બન્યું હોવાનું જાણવા મળ્યું છે.

હાલ આ સરોવરમાં આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી હોવાનું જણાવાયું છે. સતત વરસાદ ચાલુ રહે તો પાણીનો જથ્થો 32 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચી શકે છે. પાણીનો દબાણ વધવાથી સરોવર તૂટી શકે છે અને ફરી એક વિનાશક પૂર આવી શકે છે.

આ જોખમને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ સરોવર પર સતત નજર રાખી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને ઓળખીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લેવલ-4ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ચીનની ટેકનોલોજીથી શોધખોળ

નેપાળની મદદ માટે ચીને પણ બચાવ અભિયાનમાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. સેટેલાઇટ અને ડ્રોનની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

માનવરહિત ઉપકરણોની મદદથી એવા વિસ્તારોની માહિતી મેળવવામાં આવી રહી છે જ્યાં માનવીય ટીમો માટે પહોંચવું મુશ્કેલ છે. લાપતા લોકોની શોધ અને સંભવિત જોખમી વિસ્તારોની ઓળખમાં પણ આ ટેકનોલોજી ઉપયોગી બની રહી છે.

નુવાકોટમાં સૌંદર્યની જગ્યાએ મોતનું મંજર

નુવાકોટ જિલ્લો થોડા દિવસ પહેલાં સુધી કુદરતી સૌંદર્ય માટે ઓળખાતો હતો. પહાડો, ખીણો અને હરિયાળી વચ્ચે પ્રવાસીઓ અહીં કુદરતને માણવા આવતા હતા. પરંતુ અચાનક આવેલા મહાપૂરે સમગ્ર દૃશ્ય જ બદલી નાખ્યું.

દેવીઘાટ વિસ્તારમાં હવે જ્યાં નજર કરો ત્યાં કાદવ, કીચડ અને કાટમાળના ઢગલા જોવા મળે છે. ગ્લેશિયર તળાવ ફાટવાથી ધસી આવેલા પાણી અને કાટમાળે અનેક મકાનોને દબાવી દીધા છે.

કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા વચ્ચે સેનાના જવાનો અને બચાવકર્મીઓ સતત શોધખોળ કરી રહ્યા છે. જીવિત લોકોને બચાવવા અને મૃતદેહો બહાર કાઢવા માટે ભારે મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

“કલ ચમન થા, આજે યે સહેરા હુઆ, દેખતે હી દેખતે યે ક્યા હુઆ…”

આ પંક્તિઓ નુવાકોટની હાલની સ્થિતિને જાણે શબ્દોમાં ઉતારી દે છે.

ઈશા ફાઉન્ડેશનના 80 યાત્રાળુઓ લાપતા

વિનાશક પૂરનો પડઘો કૈલાસ માનસરોવર યાત્રાળુઓ સુધી પણ પહોંચ્યો છે. ગ્યિરૉંગ વિસ્તારમાં ઈશા ફાઉન્ડેશનના યાત્રા જૂથના આશરે 80 સભ્યો લાપતા હોવાની માહિતી સામે આવી છે.

આ ઘટના અંગે આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે યાત્રાળુઓ કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા અને ગ્યિરૉંગના સ્થળાંતર કેન્દ્રમાં રોકાયા હતા. તે દરમિયાન અચાનક પૂરનું પાણી ધસી આવ્યું અને ગણતરીની મિનિટોમાં સમગ્ર સ્થળ પાણીમાં ગરકાવ થઈ ગયું.

9.05 વાગ્યે છેલ્લો મેસેજ

સદગુરુના જણાવ્યા પ્રમાણે જૂથના આગેવાન ઈશાંગ પ્રવીણે સવારે 9.05 વાગ્યે સંદેશ મોકલીને સ્થળાંતર કેન્દ્ર પર પહોંચી ગયા હોવાની જાણ કરી હતી. માત્ર નવ મિનિટ બાદ એટલે કે 9.14 વાગ્યે પૂરનું પાણી સ્થળાંતર કેન્દ્રમાં ઘૂસી આવ્યું.

ત્યારબાદ જૂથ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રવીણ લાંબા સમયથી ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા હોવાનું જણાવતાં સદગુરુ ભાવુક થયા હતા.

સદગુરુ પોતે બચાવ કામગીરીમાં જવા માગે છે

સદગુરુએ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂરથી રસ્તાઓ અને સંદેશાવ્યવહાર ખોરવાઈ જતાં મુશ્કેલી સર્જાઈ હતી.

તેમણે ભારતીય, ચીની અને અમેરિકી દૂતાવાસ મારફતે ગ્યિરૉંગ જવાની મંજૂરી માગી છે. સદગુરુ નાની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને લાપતા યાત્રાળુઓની શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા માગે છે.

માનસી પારેખ ગોહિલ સલામત

કૈલાસ માનસરોવર યાત્રા પર ગયેલા લોકોમાં ગુજરાતી અભિનેત્રી અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા માનસી પારેખ ગોહિલ પણ સામેલ હતાં. સદનસીબે તેઓ હાલ તિબેટમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

માનસી પારેખ ગોહિલ સદગુરુ તથા અન્ય યાત્રાળુઓ સાથે ચીનની હોટલમાં સુરક્ષિત હોવાનું તેમના પતિ અને ગાયક પાર્થિવ ગોહિલે જણાવ્યું છે. ચીન સરકાર દ્વારા તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

‘સાંજ સમાચાર’ દ્વારા પાર્થિવ ગોહિલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં વિનાશક પૂર આવ્યું હતું ત્યાં આ યાત્રાળુઓને આજે જવાનું હતું. જોકે સદનસીબે તે પહેલાં જ તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા.

ગુજરાતના 26 લોકોનો સંપર્ક તૂટ્યો

નેપાળની જળ હોનારતમાં ગુજરાતના લાપતા લોકોની સંખ્યા વધીને 26 થઈ હોવાનું રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું છે. પરિવારજનો અને સરકાર દ્વારા અનેક પ્રયાસો છતાં હજુ સુધી આ લોકોનો સંપર્ક થઈ શક્યો નથી.

લાપતા લોકોમાં રાજકોટ, અમરેલી, અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને વલસાડના લોકોનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકો બિનનિવાસી ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં રહેતા હોવાનું જણાવાયું છે.

ગઈ રાત દરમિયાન વધુ આઠ પરિવારોએ સરકારી તંત્રનો સંપર્ક કરીને પોતાના પરિવારજનો લાપતા હોવાની જાણ કરી હતી. ત્યારબાદ લાપતા ગુજરાતીઓનો આંકડો 26 પર પહોંચ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને કેન્દ્ર તથા નેપાળ સરકાર સાથે સંકલન કરીને લાપતા ગુજરાતીઓનો સંપર્ક મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નેપાળમાં એક તરફ કાટમાળ નીચે દટાયેલી જિંદગીઓની શોધ ચાલી રહી છે, તો બીજી તરફ નવા બનેલા સરોવરમાં વધતું પાણી બીજી વિનાશક લહેરનો ભય ઉભો કરી રહ્યું છે. મૃત્યુઆંક, લાપતા લોકો અને નવી આફતના ખતરાએ સમગ્ર નેપાળને ચિંતામાં મૂકી દીધું છે. હવે બચાવકર્મીઓ માટે દરેક ક્ષણ જીવન અને મોત વચ્ચેની લડાઈ સમાન બની ગઈ છે.

Leave a Comment

Traffic Tail