ખાંડના ભાવમાં બેફામ તેજી કિલો ખાંડ રૂ.70એ પહોંચી : એક મહિનામાં રૂ.20નો જંગી વધારો, હજુ રૂ.5 મોંઘી થવાની ભીતિ

ખાંડ અને ગોળના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજીએ હવે વિક્રમજનક સપાટી હાંસલ કરી છે. મોંઘવારીથી પરેશાન સામાન્ય વર્ગ માટે રસોડામાં રોજબરોજ વપરાતી ખાંડ પણ મોંઘી બનતા ઘરનું બજેટ વધુ ખોરવાયું છે. વેપારીઓના મતે જો આયાતમાં વધારો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કિલોદીઠ વધુ રૂ.4થી 5નો વધારો થઈ શકે છે.

= બે દિવસમાં ક્વિન્ટલે રૂ.800નો ઉછાળો

રાજકોટના ખાંડ બજારના વેપારીઓના જણાવ્યા મુજબ આજે જીણી ખાંડનો હોલસેલ ભાવ રૂ.6,800થી 6,900 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે મીડીયમ ખાંડનો ભાવ રૂ.6,900થી 7,000 રહ્યો હતો.

ગુરુવારે જીણી ખાંડ રૂ.6,150થી 6,250 અને મીડીયમ ખાંડ રૂ.6,250થી 6,350 પ્રતિ ક્વિન્ટલ હતી. આમ માત્ર બે દિવસમાં જ ક્વિન્ટલે આશરે રૂ.800નો જંગી વધારો નોંધાયો છે.

= રિટેલમાં રૂ.70, હવે રૂ.72નો વારો?

હાલ રાજકોટમાં ખાંડનો રિટેલ ભાવ રૂ.70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. કેટલાક વેપારીઓ પાસે અગાઉના ભાવે ખરીદેલો સ્ટોક હોવાથી હાલ આ ભાવે વેચાણ થઈ રહ્યું છે.

જોકે વર્તમાન હોલસેલ ભાવને જોતા આગામી દિવસોમાં રિટેલ ભાવ રૂ.72 પ્રતિ કિલો સુધી પહોંચવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

= એક મહિનામાં જ રૂ.20નો વધારો

ખાંડના ભાવમાં છેલ્લા ચાર મહિનાથી તેજીનો માહોલ હતો, પરંતુ છેલ્લા એક મહિનામાં ભાવવધારાએ રેકોર્ડ સર્જ્યો છે. માત્ર એક મહિનામાં જ કિલોદીઠ આશરે રૂ.20નો વધારો થયો છે.

વેપારીઓનું કહેવું છે કે ભૂતકાળમાં આટલી ઝડપથી અને આટલી ઊંચી સપાટીએ ખાંડના ભાવ પહોંચ્યા હોવાનું ભાગ્યે જ જોવા મળ્યું છે.

= 10 લાખ ટન આયાત છતાં તાત્કાલિક અસર નહીં

સરકારે 10 લાખ ટન ખાંડની આયાત કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ સ્ટોક લિમિટ પણ કડક કરવામાં આવી છે. જોકે આ પગલાંની તાત્કાલિક અસર બજારમાં જોવા મળી રહી નથી.

વેપારીઓના મતે આયાતમાં વધુ વધારો કરવામાં આવે તો બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ શકે છે અને તેજી અટકી શકે છે. જો તેમ નહીં થાય તો હજુ કિલોદીઠ રૂ.4થી 5નો વધારો થવાની શક્યતા છે.

= રાજકોટમાં માલની અછત નથી છતાં ભાવ વધ્યા

રાજકોટની માર્કેટમાં હાલ ખાંડના સ્ટોકની કોઈ ખાસ અછત નથી. બજારમાં માલ ઉપલબ્ધ હોવા છતાં દેશવ્યાપી ભાવના ટ્રેન્ડને કારણે તેજી આગળ વધી રહી છે.

ખાંડના ભાવમાં આટલી ઝડપી તેજીએ સામાન્ય ગ્રાહકોની ચિંતા વધારી છે. હવે સરકારની આયાત અને સ્ટોક લિમિટ જેવા પગલાંથી બજારમાં ભાવવધારા પર ક્યારે બ્રેક લાગે છે તે જોવાનું રહેશે.

Leave a Comment

Traffic Tail