અખિલેશ-માયાવતી સહિત એક ડઝન નેતાઓને બુલેટપ્રૂફ જેકેટ : જોખમના આંકલન બાદ નિર્ણય
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે અગ્રણી રાજકીય નેતાઓની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યના લગભગ એક ડઝન નેતાઓને બુલેટપ્રૂફ જેકેટ આપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
= અખિલેશ-માયાવતી સહિત દિગ્ગજ નેતાઓનો સમાવેશ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી ઉપરાંત મંત્રીઓ જયવીરસિંહ, સુરેશ ખન્ના, નંદ ગોપાલ ગુપ્તા ‘નંદી’, ઓમપ્રકાશ રાજભર અને ડો. સંજય નિષાદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
= સંગીત સોમ સહિતના નેતાઓને ભીડમાં સાવચેતી
સુરેશ રાણા અને સંગીત સોમ સહિતના નેતાઓને જાહેર કાર્યક્રમો અને મોટી ભીડ વચ્ચે બુલેટપ્રૂફ જેકેટ પહેરવાની સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
ચૂંટણી દરમિયાન રાજકીય રેલીઓ અને સભાઓમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.
= ચૂંટણી પહેલાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ઉત્તરપ્રદેશ રાજકીય રીતે સંવેદનશીલ રાજ્ય હોવાથી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગ્રણી નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે.
ચૂંટણી પહેલાં બુલેટપ્રૂફ જેકેટ સાથે સુરક્ષા વધારાતા યુપીમાં રાજકીય માહોલની સાથે નેતાઓની સલામતીનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.









