વિદેશમંત્રી એસ. જયશંકર 23-24 ઓગસ્ટે રશિયા પ્રવાસે : વેપાર, ટેક્નોલોજીથી વૈશ્વિક મુદ્દાઓ સુધી થશે ચર્ચા
ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર 23 અને 24 ઓગસ્ટે રશિયાની બે દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
= ડેનિસ મંતુરોવ સાથે IRIGC-TEC બેઠક
જયશંકર રશિયાના પ્રથમ ઉપપ્રધાનમંત્રી ડેનિસ મંતુરોવ સાથે ભારત-રશિયા આંતર-સરકારી કમિશન (IRIGC-TEC)ના 27મા સત્રની સહ-અધ્યક્ષતા કરશે.
આ બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર, આર્થિક સંબંધો, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક સહયોગ વધારવા અંગે વિસ્તૃત મંત્રણા થશે.
= લાવરોવ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાત
પ્રવાસ દરમિયાન જયશંકર રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ પ્રાદેશિક તથા વૈશ્વિક પરિસ્થિતિ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
= વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂતી
ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી વ્યૂહાત્મક ભાગીદારી છે. અગાઉની મુલાકાતોમાં પણ SCO, BRICS અને G20 જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પરસ્પર સહયોગ અંગે ચર્ચા થઈ હતી.
જયશંકરની આ મુલાકાત વેપાર અને આર્થિક સહયોગથી આગળ વધીને બંને દેશોના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે.









