રાજકોટ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં **“નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં”**નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિયમ મુજબ આગળ-પાછળ કાયદેસર અને સ્પષ્ટ નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ-ડીઝલ કે CNG ન આપવાનો આદેશ છે.
પરંતુ હવે વોર્ડ નંબર-1માં યોજાયેલી કળશ યાત્રા દરમિયાન ભાજપના કોર્પોરેટરના સ્કૂટર પર ધારાસભ્યની સવારીનો વીડિયો સામે આવ્યા બાદ આ જાહેરનામાની અમલવારી સામે જ સવાલો ઊભા થયા છે. અહેવાલ મુજબ જે ટુ-વ્હીલર પર ધારાસભ્ય સવાર હતા તેના પાછળની નંબર પ્લેટ જોવા મળતી નહોતી.
જો નંબર પ્લેટ વગરના વાહનને પેટ્રોલ આપવું જ પ્રતિબંધિત છે તો આ વાહનની ટાંકી કયા પેટ્રોલ પંપ પર અને કેવી રીતે ભરાઈ? શું સામાન્ય નાગરિક માટે કડક અને રાજકીય આગેવાનો માટે નિયમો અલગ છે?
સામાન્ય વાહનચાલક નંબર પ્લેટ વગર પેટ્રોલ લેવા જાય તો તેને રોકવામાં આવે અને તેની સામે કાર્યવાહી થાય, પરંતુ જાહેર કાર્યક્રમમાં નંબર પ્લેટ વગરનું વાહન રાજમાર્ગો પર ફરતું હોય ત્યારે પોલીસની નજર કેમ ન પડી? આ મુદ્દે પોલીસ તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી છે.
નિયમ જો છે તો સૌ માટે સમાન હોવો જોઈએ. પોલીસનું જાહેરનામું માત્ર સામાન્ય લોકો પૂરતું મર્યાદિત છે કે પછી ધારાસભ્ય, કોર્પોરેટર સહિત રાજકીય આગેવાનોને પણ તેની સમાન રીતે અમલવારી લાગુ પડે છે? રાજકોટ પોલીસ કમિશનરે આ મામલે જવાબ આપવો જોઈએ.









