‘વિકસિત ભારત’ના સપના વચ્ચે મોંઘવારીની વરવી વાસ્તવિકતા

ખાંડથી લઈને કાર સુધીના ભાવ વધતાં સામાન્ય માણસનું બજેટ ખોરવાયું

એક તરફ દેશને વિકસિત ભારત બનાવવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય પરિવાર માટે રોજિંદા જીવનનો ખર્ચ સતત વધી રહ્યો છે. મોંઘવારી હવે માત્ર સરકારી આંકડાઓનો વિષય રહી નથી. કરિયાણાની દુકાનથી લઈને શાકભાજી બજાર અને કારના શોરૂમ સુધી તેનો સીધો માર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહ્યો છે.

ખાંડ, ચોખા, ખાદ્યતેલ, આદુ-લસણ જેવી રસોડાની જરૂરી વસ્તુઓના ભાવ વધ્યા છે. સાથે જ બિસ્કિટ, ટૂથપેસ્ટ, હેરઓઈલ અને ડિટરજન્ટ જેવી ઘરવપરાશની વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. પરિણામે આવક મર્યાદિત હોય અને ખર્ચ સતત વધતો જાય તેવી સ્થિતિમાં મધ્યમવર્ગનું માસિક બજેટ અસ્તવ્યસ્ત બન્યું છે.

= ખાંડ અને તેલના ભાવથી રસોડું મોંઘું

છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં આશરે 40 ટકા સુધીનો વધારો થયો છે. સરસવ, સૂરજમુખી, મગફળી અને પામ ઓઈલના ભાવમાં પણ 10થી 27 ટકા સુધીનો વધારો થયો છે. ખાદ્યતેલની વધતી કિંમતોને કારણે સામાન્ય પરિવારના રસોડાનો ખર્ચ સીધો વધી રહ્યો છે.

મીઠા સહિતની અન્ય રોજિંદી વસ્તુઓના ભાવમાં પણ વધારો થતાં કરિયાણાની માસિક ખરીદી માટે હવે પહેલાં કરતાં વધુ રકમ ફાળવવી પડી રહી છે.

= કોથમીરથી આદુ-લસણ સુધી ભાવનો ઉછાળો

શાકભાજી બજારમાં પણ મોંઘવારીનો પ્રભાવ સ્પષ્ટ છે. કેટલાક સ્થળોએ શાકભાજી સાથે મફતમાં મળતી કોથમીરનો ભાવ પણ રૂ.220 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. આદુ અને લસણ સહિતની વસ્તુઓના ભાવ વધતાં સામાન્ય રસોઈનો ખર્ચ પણ વધી ગયો છે.

= FMCG વસ્તુઓ પણ મોંઘી

હેરઓઈલ, ટૂથપેસ્ટ અને અન્ય પર્સનલ કેર પ્રોડક્ટ્સના ભાવમાં વધારો થયો છે. બિસ્કિટના ભાવ વધારવા અથવા પેકેટમાં મળતું વજન ઘટાડવાની સંભાવનાથી ગ્રાહકો પર વધુ બોજ પડવાની સ્થિતિ છે.

અર્થાત્, સામાન્ય માણસને હવે રોજિંદી જરૂરિયાતોની ખરીદીમાં પણ ભાવવધારાનો સામનો કરવો પડી રહ્યો છે.

= ટાયર, AC અને પેઈન્ટના ભાવમાં પણ વધારો

મોંઘવારીની અસર વાહન અને ઘર સંબંધિત વસ્તુઓ પર પણ પડી છે. ટાયર કંપનીઓ દ્વારા આગામી સમયમાં ભાવ વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે. એર કન્ડિશનરના ભાવમાં પણ વધારો થયો છે.

તાંબાના વધતા ભાવ, પરિવહન ખર્ચ અને રૂપિયાની નબળી સ્થિતિને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે. પેઈન્ટના ભાવમાં વધારો થતાં ઘરનું બાંધકામ અને રિનોવેશન પણ મોંઘું બની શકે છે.

= કાર ખરીદનારાઓને પણ મોટો ઝટકો

કારના ભાવમાં પણ વધારો થયો છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે સપ્ટેમ્બરથી રૂ.25 હજાર સુધીના ભાવવધારાની જાહેરાત કરી છે. હ્યુન્ડાઈએ પોતાના વાહનોમાં 1 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે, જ્યારે મારુતિ સુઝુકીએ પણ કારના ભાવમાં રૂ.30 હજાર સુધીનો વધારો કર્યો છે.

કાચા માલ અને અન્ય કોમોડિટીના ખર્ચમાં વધારો થતાં કંપનીઓ ભાવ વધારી રહી છે, પરંતુ તેનો અંતિમ બોજ ગ્રાહકો પર જ આવી રહ્યો છે.

= મોંઘવારી રોકવા વ્યાજ વધ્યું તો EMI પણ વધશે!

જો મોંઘવારીનો દબાણ યથાવત્ રહેશે તો તેને નિયંત્રિત કરવા રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારો કરી શકે છે. જોકે વ્યાજદર વધારાનો સીધો પ્રભાવ લોનધારકો પર પડશે.

હોમ લોન, કાર લોન અને અન્ય લોનના EMI વધી શકે છે. એટલે સામાન્ય માણસને એક તરફ મોંઘા કરિયાણા અને બીજી તરફ વધતા EMIનો બેવડો બોજ સહન કરવો પડી શકે છે.

‘વિકસિત ભારત’ની વાતો વચ્ચે સામાન્ય માણસનો સવાલ એટલો જ છે—વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, તો આવક અને ખરીદશક્તિ ક્યારે વધશે?

Leave a Comment

Traffic Tail