9થી વધુ સિમ હશે તો તરત થશે ઓળખ, વધારાના કનેક્શન બંધ થશે
સાયબર છેતરપિંડી અને ડિજિટલ અરેસ્ટના કેસો પર લગામ કસવા સરકારે સિમ કાર્ડ અંગેના નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) દ્વારા એક વ્યક્તિના નામે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ મોબાઇલ કનેક્શન હશે તો તેની રિયલ ટાઇમમાં ઓળખ કરવામાં આવશે.
હાલના નિયમ મુજબ એક વ્યક્તિ દેશભરની તમામ ટેલિકોમ કંપનીઓને મળીને મહત્તમ 9 મોબાઇલ કનેક્શન રાખી શકે છે. જમ્મુ-કાશ્મીર, આસામ અને પૂર્વોત્તરના લાઇસન્સવાળા વિસ્તારોમાં આ મર્યાદા 6 કનેક્શનની છે.
નવી વ્યવસ્થા હેઠળ તમામ ટેલિકોમ કંપનીઓનો ગ્રાહક ડેટા DIP પર એકત્ર કરવામાં આવશે. 23 ઓગસ્ટથી મર્યાદા સુધી પહોંચી ગયેલા ગ્રાહકોના ફોટા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી વધારાના સિમની ઓળખ સરળ બને.
30 નવેમ્બર સુધી રિયલ ટાઇમ ચકાસણી
સિમના બુકિંગ અને એક્ટિવેશન સમયે જ રિયલ ટાઇમ વેરિફિકેશન કરવાની વ્યવસ્થા લાગુ થશે. મર્યાદા કરતાં વધુ સક્રિય કનેક્શન સસ્પેન્ડ કરવામાં આવશે અને ગ્રાહકે વધારાના નંબર બંધ કરાવ્યા બાદ જ કનેક્શન નિયમિત થશે. નવા નિયમોમાં ટેલિકોમ કંપનીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે.









