રાજકોટમાં મજૂરી કરવા આવેલા રાજસ્થાની શખ્સો રાત્રે બાઇકની રેકી કરી ચોરી કરતા
રાજકોટના રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે કિંમતી બાઇકની રેકી કરી ચોરી કરતી રાજસ્થાની ગેંગના ચાર શખ્સોને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ અલગ-અલગ સ્થળેથી ત્રણ બાઇક ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે રૂ.1.60 લાખની કિંમતની ત્રણ ચોરાઉ બાઇક કબજે કરી છે.
પકડાયેલા આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. તેઓ રાજકોટમાં મજૂરી કામ માટે આવ્યા હતા અને રાત્રિના સમયે શહેરની વિવિધ શેરીઓમાં પગપાળા ફરી બાઇકની રેકી કરતા હતા.
હેન્ડલ લોક વગરની સ્પોર્ટ્સ બાઇક નજરે પડે ત્યારે તક ઝડપી તેની ચોરી કરી નંબર પ્લેટ કાઢી નાખતા અને બાઇક રાજસ્થાન લઈ જતા હતા. ખાસ કરીને સ્પોર્ટ્સ બાઇક ચોરી કરી પોતાના વતનમાં લઈ જઈ સીનસપાટા કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી યામાહા R15, KTM RC 125 અને હીરો સ્પ્લેન્ડર સહિત ત્રણ બાઇક કબજે કરી છે. આ સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના બે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એક મળી કુલ ત્રણ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.









