રાહુલ ગાંધીના નિવેદનથી રાજકીય ચર્ચા તેજ

‘PM મોદીનું શાસન અંતિમ તબક્કામાં, અનુગામીની શોધ શરૂ’ઃ રાહુલ ગાંધીનો દાવો

નવી દિલ્હી: ‘વંદે માતરમ’ના મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટો રાજકીય દાવો કર્યો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે PM મોદીનું શાસન હવે અંતિમ તબક્કામાં છે અને તેમના અનુગામીની શોધ શરૂ થઈ ગઈ છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કેન્દ્ર સરકાર હાલમાં સંપૂર્ણપણે બેકફૂટ પર છે. તેમણે કોંગ્રેસને સરકાર સામે વધુ આક્રમક અભિગમ અપનાવીને તેને સતત ઘેરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આગામી ચૂંટણીઓ માટે સંગઠન મજબૂત કરવા ભાર

આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને એકજૂથ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અનેક રાજકીય પક્ષોમાં તૂટફૂટ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ સંગઠિત છે અને પક્ષની આ એકતા તથા તાકાત જાળવી રાખવી જરૂરી છે.

કોંગ્રેસ મુખ્યાલય ખાતે મળેલી કારોબારી બેઠકમાં રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસની આગામી રાજકીય રણનીતિને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.

મલ્લિકાર્જુન ખડગેનો પણ કેન્દ્ર પર પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા આક્ષેપ કરતાં કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારની નીતિઓને કારણે દેશના યુવાનોનું ભવિષ્ય પ્રભાવિત થયું છે.

ખડગેએ દાવો કર્યો કે 94 હજાર શાળાઓ બંધ થઈ છે અને યુવાનોમાં સરકાર સામેનો આક્રોશ વધી રહ્યો છે.

‘વંદે માતરમ’ના મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસની બેઠકમાં કેન્દ્ર સરકાર સામે વધુ આક્રમક રાજકીય લડતના સંકેતો મળ્યા છે.

Leave a Comment

Traffic Tail