વોશિંગ્ટન: અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું પ્રથમ વખત 40 ટ્રિલિયન ડોલરની સપાટી વટાવીને 40.047 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. અમેરિકન ટ્રેઝરીના તાજેતરના આંકડા મુજબ આ ઐતિહાસિક સ્તર સામે પહોંચતા અમેરિકાની નાણાકીય સ્થિતિને લઈને ચિંતા વધી છે.
જાન્યુઆરી 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત સત્તા સંભાળી ત્યારે અમેરિકાનું દેવું 19.95 ટ્રિલિયન ડોલર હતું. એટલે કે એક દાયકાથી પણ ઓછા સમયમાં અમેરિકાનું દેવું બમણાથી વધુ થયું છે. જોકે આ વધારામાં ટ્રમ્પ અને જો બાઇડન બંનેના કાર્યકાળ દરમિયાન થયેલા ખર્ચ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન થયેલા મોટા સરકારી ઉધારનો પણ નોંધપાત્ર હિસ્સો છે.
જાહેર દેવું 32.266 ટ્રિલિયન ડોલર
ટ્રેઝરીના આંકડા મુજબ કુલ દેવામાં આશરે 32.266 ટ્રિલિયન ડોલર જાહેર દેવું અને 7.782 ટ્રિલિયન ડોલર આંતર-સરકારી હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે.
વ્યાજખર્ચે વધારી ચિંતા
અમેરિકાના વધતા દેવા સાથે તેના પર ચૂકવવાનો વ્યાજખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. સોશિયલ સિક્યોરિટી, મેડિકેર અને સંરક્ષણ ખર્ચ સાથે વ્યાજની ચુકવણી બજેટ પર મોટો બોજ બની રહી છે. રિપોર્ટ અનુસાર દેવા પરનું વ્યાજખર્ચ હવે મેડિકેર કરતાં પણ વધુ થઈ ગયું છે.
નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે સતત વધતું દેવું ભવિષ્યમાં સરકારના ખર્ચ માટે ઉપલબ્ધ નાણાં ઘટાડવાની સાથે ઉધાર લેવાનો ખર્ચ પણ વધારી શકે છે. લાંબા ગાળે આ સ્થિતિ અમેરિકાની આર્થિક સ્થિરતા માટે મોટો પડકાર બની શકે છે.
40 ટ્રિલિયન ડોલરનો આંકડો કેમ મહત્વનો?
અમેરિકાનું દેવું માર્ચ 2026માં 39 ટ્રિલિયન ડોલર અને ઓક્ટોબર 2025માં 38 ટ્રિલિયન ડોલરને પાર થયું હતું. માત્ર થોડા મહિનામાં વધુ 1 ટ્રિલિયન ડોલરનો વધારો થતાં હવે 40 ટ્રિલિયન ડોલરનો ઐતિહાસિક આંકડો પાર થયો છે.









