કોલકતાની હોટેલમાં મધરાતે ભીષણ આગ : 9 બાંગ્લાદેશીઓના મોત, 6ની હાલત ગંભીર

કોલકતાના મધ્ય વિસ્તારમાં આવેલી મીર્ઝા ગાલિબ સ્ટ્રીટની એક હોટેલમાં મધરાત બાદ અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકો તમામ બાંગ્લાદેશી નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 6 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મૃતકો તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા અને કોલકતાની હોટેલમાં રોકાયા હતા. રાત્રે લગભગ 1 વાગ્યા બાદ હોટેલમાં આગ લાગી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં હોટેલમાં રોકાયેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આગમાં ફસાયેલા કેટલાક લોકોના દાઝી જવાથી તેમજ ધુમાડાના કારણે ગૂંગળાઈ જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે દાઝેલા 6 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે હોટેલની ફાયર સેફ્ટી વ્યવસ્થા અને ફાયર એલાર્મ સિસ્ટમની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પણ તપાસ હાથ ધરાઈ છે.

નોંધનીય છે કે સોમવારે તારાપીઠમાં આગની ઘટનામાં મેઘાલયના એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. તેના માત્ર બે દિવસ બાદ કોલકતામાં બનેલી આ ઘટનાએ હોટેલોમાં આગ સામેની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Leave a Comment

Traffic Tail