ઍમ્સ્ટલ્વીન: હોકી વર્લ્ડ કપ-2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જેવી જ રોમાંચક ગણાતી હોકીની કટ્ટર હરીફાઈ ફરી જોવા મળશે. વાગ્નેર સ્ટેડિયમમાં સાંજે 6:30 વાગ્યે બંને ટીમો આમને-સામને થશે. મેચ માટે સ્ટેડિયમ સંપૂર્ણપણે હાઉસફુલ છે.
ભારતે વર્લ્ડ કપની શરૂઆત વેલ્સ સામે 3-1થી જીત મેળવીને કરી હતી, પરંતુ ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે 2-4થી હાર મળી હતી. પાકિસ્તાનને પણ ઇંગ્લેન્ડ સામે 1-4થી પરાજય થયો છે. ભારત માટે ઓછામાં ઓછો ડ્રો પણ આગળ વધવા માટે મહત્વપૂર્ણ છે, જ્યારે પાકિસ્તાન માટે જીત અત્યંત જરૂરી બની છે.
53 વર્ષ જૂની યાદો ફરી તાજી થશે
આ મુકાબલાનું સૌથી મોટું આકર્ષણ એ છે કે 53 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન ફરી એ જ વાગ્નેર સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં ટકરાશે. 1973ના વર્લ્ડ કપમાં આ જ મેદાન પર સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 1-0થી હરાવ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં ભારતનો નેધરલેન્ડ્સ સામે 2-2થી ડ્રો થયો હતો અને પેનલ્ટી સ્ટ્રોકમાં નેધરલેન્ડ્સે 4-2થી જીત મેળવી હતી.
આજે ફરી એ જ ઐતિહાસિક મેદાન પર બંને કટ્ટર હરીફો આમને-સામને હોવાથી મેચમાં માત્ર પ્રતિષ્ઠા જ નહીં, પરંતુ વર્લ્ડ કપની આગળની સફર પણ દાવ પર છે.









