ઓહ ઓહ… કોર્પોરેશન બગીચા જાળવણી માટે ચૂકવશે રૂ.4.10 કરોડ! ટેન્ડર પ્રક્રિયા સામે અનેક સવાલો

સેન્ટ્રલ વર્જ, ટ્રાફિક જંક્શન, આઇલેન્ડ અને સર્કલની જાળવણી માટેનો ખર્ચ મંજૂર; ત્રણેય એજન્સીઓના એકસરખા ભાવથી ચર્ચા ગરમાઈ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સેન્ટ્રલ વર્જ, ટ્રાફિક જંક્શન, આઇલેન્ડ અને સર્કલોની જાળવણી તથા નિભાવણી માટે અંદાજે રૂ.4.10 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે આ ખર્ચને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ જાળવણી હેઠળ કયા સર્કલ, કયા ટ્રાફિક આઇલેન્ડ અને કયા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેની સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી. હાલ શહેરના કયા સર્કલોની જવાબદારી કોની પાસે છે અને કયા વિસ્તારોમાં કામ થવાનું છે તે અંગે પણ કોઈ વિગત આપવામાં આવી નથી.

ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેનારી ત્રણેય એજન્સીઓ દ્વારા લગભગ એકસરખા દર (ડાઉન ભાવ) રજૂ કરવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાનો વિષય બન્યું છે. આ સંજોગોમાં ટેન્ડરની સ્પર્ધાત્મકતા અને સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

રૂ.4 કરોડથી વધુના આ ખર્ચને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે. ટેન્ડરની શરતો, કામનો વાસ્તવિક વ્યાપ અને ખર્ચના માપદંડ અંગે સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી રહી છે.

હાલ કોર્પોરેશન તરફથી આ મુદ્દે સત્તાવાર રીતે વિગતવાર સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું નથી, જેના કારણે સમગ્ર મામલે અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail