જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની વિગતો આપવાની વર્ષોથી ચાલતી વ્યવસ્થા બંધ થતાં અનેક સવાલો ઊભા
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી પત્રકારોને જનરલ બોર્ડ તેમજ સ્ટેન્ડિંગ કમિટીની કાર્યવાહી અંગે સત્તાવાર માહિતી અને વિગતો ઉપલબ્ધ કરાવવાની પરંપરાગત વ્યવસ્થા અમલમાં હતી. જોકે હવે આ વ્યવસ્થા અચાનક બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા પત્રકારોને એવો જવાબ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે કે આ નિર્ણય પ્રદેશ ભાજપની સૂચનાના આધારે લેવામાં આવ્યો છે અને હવે મીડિયાને આવી માહિતી આપવામાં આવશે નહીં.
આ નિર્ણય બાદ અનેક પ્રશ્નો ઊભા થયા છે. જો આ સૂચના ખરેખર પ્રદેશ સ્તરેથી આપવામાં આવી હોય, તો શું તે માત્ર રાજકોટ મહાનગરપાલિકા માટે જ લાગુ પડે છે? રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ જેવી કે અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં આવી જ વ્યવસ્થા કેમ યથાવત છે? માત્ર રાજકોટમાં જ માહિતી આપવાની પરંપરા બંધ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?
મીડિયા વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે પત્રકારોને સત્તાવાર માહિતીથી દૂર રાખવાનો પ્રયાસ પારદર્શિતાને અસર કરી શકે છે. જાહેર હિત સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે સમયસર અને અધિકૃત માહિતી ઉપલબ્ધ રહેવી જરૂરી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
હાલ આ સમગ્ર મામલે પ્રદેશ ભાજપ અથવા મહાનગરપાલિકા તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. જો નિર્ણય ખરેખર પ્રદેશ સ્તરની સૂચના મુજબ લેવામાં આવ્યો હોય, તો તેના કારણો અને રાજ્યભરમાં તેની અમલવારી અંગે સ્પષ્ટતા થવી જરૂરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.









