સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત: રાજકોટમાં વેસ્ટ ઝોનમાં 6 ઇંચ વરસાદ, જામનગર-દ્વારકામાં પણ સારો વરસાદ

રાજકોટ: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહેતા છેલ્લા 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં નોંધાયો હતો. ફાયર બ્રિગેડના આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 32 મીમી, ઈસ્ટ ઝોનમાં 20 મીમી અને વેસ્ટ ઝોનમાં 151 મીમી (આશરે 6 ઇંચ) વરસાદ વરસ્યો હતો.

જામનગર જિલ્લામાં પણ છેલ્લા 48 કલાકમાં જામનગર, જોડિયા અને ધ્રોલમાં આશરે 2 ઇંચ, કાલાવડમાં સવા ઇંચ, લાલપુરમાં 1 ઇંચ અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. ભારે પવન અને દરિયામાં કરંટ યથાવત હોવાથી ઓખા અને સલાયા બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ ચાલુ રાખવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

દ્વારકામાં ગોમતી નદીમાં પાણીની આવક વધતાં ગોમતી ઘાટને સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ કચ્છના ભુજમાં ઐતિહાસિક હમીરસર તળાવમાં નવા નીરની આવક થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ તળાવ કિનારે પહોંચી વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો.

જિલ્લા તંત્રે નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Comment

Traffic Tail