ચુડામાં માત્ર બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ વરસાદ 50 ટકા તરફ
અમદાવાદ: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ બાદ હવે વરસાદી સિસ્ટમનો પ્રભાવ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. શનિવારે વહેલી સવારથી સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, અમરેલી અને બોટાદ સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તાજા વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ વરસાદ 50 ટકાની નજીક પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ સવારે 6થી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો હતો. ચુડામાં 3.50 ઇંચ, વઢવાણમાં 2.56 ઇંચ, મોરબીમાં 1.61 ઇંચ અને ટંકારામાં 1.46 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મૂળી, લીમડી અને લખતરમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત સાયલા, પડધરી, ધ્રોલ, ધ્રાંગધ્રા, કુકાવાવ, રાણપુર, ચોટીલા, વાંકાનેર, બોટાદ, જોડિયા, કાલાવડ, બાબરા અને થાનગઢ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા, ભુજ, મુંદ્રા, જસદણ, ગોંડલ, જેતપુર, જામનગર, લોધિકા, જામકંડોરણા અને ભાણવડમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો સરેરાશ 65 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સવારે 6 વાગ્યા સુધી 48.81 ટકા વરસાદ નોંધાયો હતો અને આજે પડેલા વરસાદ બાદ આ આંકડો 50 ટકાને વટાવી જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.









