ચંબામાં કાર ઊંડી ખાઈમાં ખાબકી: માસૂમ સહિત એક જ પરિવારના પાંચના મોત

ચંડીગઢથી સારવાર કરાવી પરત ફરી રહેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો; વરસાદ વચ્ચે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી

ચંબા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પઠાનકોટ-ભરમોર નેશનલ હાઇવે પર લાહાડ ગામ નજીક મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર ઊંડી ખાઈમાં ખાબકતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક માસૂમ બાળક, બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસ મુજબ પરિવાર ચંડીગઢથી બાળકની સારવાર કરાવી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક કાર બેકાબૂ બની ખાઈમાં પટકાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી. જોકે, સતત વરસાદ, અંધારું અને મુશ્કેલ પહાડી માર્ગોને કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધો ઉભા થયા હતા. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહોને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

Leave a Comment

Traffic Tail