ભુપેન્દ્ર રોડના જવેલર્સમાં પોલીસનો દરોડો: 13 બિયર ટીન સાથે સોની વેપારી ઝડપાયો

જ્વેલરી શોરૂમમાંથી વિદેશી બિયરનો જથ્થો જપ્ત; બંગાળી કારીગર પાસેથી બિયર લાવી નશો કરતો હોવાની કબૂલાત

રાજકોટ: શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલી જે.બી. જવેલર્સમાં એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી 13 વિદેશી બિયરના ટીન જપ્ત કર્યા છે. કાર્યવાહી દરમિયાન દુકાનના સંચાલક અને સોની વેપારી જીગ્નેશ ભાઇલાલ મચ્છરની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી જ્વેલરીની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનમાં સંતાડી રાખવામાં આવેલા બિયરના ટીન મળી આવતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ બંગાળી કારીગર પાસેથી બિયર મેળવી પોતે નશો કરતો હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ પોલીસે બિયર સપ્લાય કરનાર વ્યક્તિ સુધી પહોંચવા તપાસનો દોર આગળ વધાર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ જ સોની વેપારી અને તેના કારીગરોને દારૂ-બિયરની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા હતા. ફરી એકવાર જ્વેલરીની દુકાનમાંથી બિયરનો જથ્થો મળી આવતા વેપારી વર્તુળોમાં ચર્ચા જાગી છે.

Leave a Comment

Traffic Tail