ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડના ખતરા વચ્ચે ઓરેન્જ એલર્ટ; બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગો બંધ
દેહરાદૂન: ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે ચારધામ યાત્રા પર મોટી અસર પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને કાટમાળ ધસી પડવાની ઘટનાઓ વધતાં ચારધામ યાત્રા આગામી બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી અને પૌડી ગઢવાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના કારણે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી તરફ જતાં અનેક મુખ્ય માર્ગો અવરોધિત થયા છે.
સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા ફ્લેશ ફ્લડની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઢવાલ મંડળના કમિશનરે જણાવ્યું છે કે તમામ માર્ગો સુરક્ષિત જાહેર થયા બાદ અને હવામાન અનુકૂળ બનશે ત્યારે જ ચારધામ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.
સતત વરસાદને કારણે દેહરાદૂનમાં નદી પરનો એક પુલ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. સુરક્ષાના હેતુથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વહીવટી તંત્રે યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને નદી-નાળાં તથા ભૂસ્ખલનપ્રવણ વિસ્તારોમાં જવાનું ટાળવા અને માત્ર સત્તાવાર હવામાન સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.









